મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025માં રવિવારની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવતા ધોનીની ટીમ પોઈન્ટ્સ ટેબલના તળિયે જ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈની ટીમે પહેલા બેટિંગ કરીને પાંચ વિકેટે 176 રન કર્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 16મી ઓવરમાં જ ફક્ત એક વિકેટ ગુમાવી પોતાની ઘરઆંગણાની મેચમાં વિજય હાંસલ કર્યો હતો.
મુંબઈની ટીમે વિજયની હેટ્રિક સાથે પ્લેઓફ માટે પોતાની શક્યતાઓ જીવંત રાખી છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈના વિજયના હીરો હતા, બંનેએ અણનમ અડધી સદી કરી હતી.
ચેન્નાઈ તરફથી રવીન્દ્ર જાડેજાએ 35 બોલમાં અણનમ 53 રન કર્યા હતા, તો શિવમ દુબેએ 32 બોલમાં 50 કર્યા હતા. મુંબઈએ સાત બોલર્સ અજમાવ્યા હતા, જેમાં જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં 25 રન આપી શિવમ દુબે અને ધોનીની મહત્ત્વની વિકેટો ખેરવી હતી, તો મિચેલ સેન્ટનરે 3 ઓવરમાં ફક્ત 14 રન આપી ઓપનર રશીદની વિકેટ લીધી હતી.
177 રનના ટાર્ગેટના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત મજબૂત રહી હતી. રોહિત શર્મા અને રાયન રીકેલ્ટને 63 રનની ભાગીદારી 6.4 ઓવરમાં કરી હતી. રીકેલ્ટન 24 રન કરી આઉટ થયો હતો. એ પછી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે વધુ કોઈ વિકેટ ગુમાવ્યા વિના ટીમનો વિજયનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. રીકેલટનની એકમાત્ર વિકેટ જાડેજાને મળી હતી. રોહિત શર્માએ 45 બોલમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે અણનમ 76 તથા સૂર્યકુમાર યાદવે પાંચ છગ્ગા અને છ ચોગ્ગા સાથે ફક્ત 30 બોલમાં અણનમ 68 રન કર્યા હતા. રોહિત શર્માને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
