જાણીતા ફિલ્મકાર રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ ભલે અનુમાન મુજબ સફળ થઇ નહોતી. પરંતુ તે ફરીથી એકવાર એક્શન ડ્રામા ફિલ્મનું નિર્માણ કરવાનું આયોજન કરે છે. આ ફિલ્મમાં તેમની સાથે પ્રથમવાર જોન અબ્રાહમ કામ કરશે, તેઓ એક ચર્ચાસ્પદ પૂર્વ આઇપીએસ અધિકારી રાકેશ મારીયાની બાયોગ્રાફી ફિલ્મ બનાવી રહ્યા છે. આ અધિકારીની આત્મકથા ‘લેટ મી સે ઇટ નાઉ’ પર આ ફિલ્મ બનશે.
રોહિત શેટ્ટીની આ પ્રથમ બાયોગ્રાફિકલ ફિલ્મ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રોમ્બેનાં એસેલ સ્ટુડિયોમાં તેનું શૂટિંગ કરવામાં આવશે. રોહિત શેટ્ટીએ આ ફિલ્મ માટે ચાર મહિનાનું શીડ્યુલ બનાવ્યું છે. જૂન મહિનાના અંત સુધી તેનું શૂટિંગ ચાલશે. રોહિત શેટ્ટી પ્રથમવાર કોઈ વાસ્તવિક કથાનક પર આધારીત ફિલ્મ બનાવે છે અને આ ફિલ્મનું બજેટ લગભગ 100 કરોડનું નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “રોહિતને હંમેશા વાસ્તવિક કથા સાથે કોપ ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી.
રાકેશ મારિયાનું જીવન જ એક થ્રિલર ફિલ્મ જેવું છે. તેમની 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટના કેસની તપાસથી લઇને 26-11ના હુમલાથી લઇને મુંબઇના અંડરવર્લ્ડ સાથેની તેમની સિદ્ધીઓ ઘણી રસપ્રદ રહી છે.” મારિયા અને શેટ્ટી વચ્ચે ઘણાં વખતથી ચર્ચાઓ અને મુલાકાતોનો દોર ચાલે છે. ફિલ્મમાં ઓટોબાયોગ્રાફીનો આધાર લેવામાં આવશે, સાથે ફિલ્મમાં એક બાન્દ્રાનો છોકરો કઈ રીતે સુપર કોપ બને છે તેની વાત, મુંબઈ સાથે તેમનો સંબંધ અને શહેરની સુરક્ષામાં તેમની ભૂમિકા વિશે જાણવા મળશે.
આ ફિલ્મ મુંબઈમાં 40 સ્થળો પર શૂટ થશે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ડોંગરી, તાજ મહાલ પેલેસ હોટેલ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. શૂટિંગના પ્રથમ તબક્કામાં મારિયાના શરૂઆતના જીવન પર વધુ ભાર મુકવામાં આવશે. સેટ પર 150થી વધુ ક્રૂ મેમ્બર્સ કામ કરશે, જેમાં એક્શન કોઓર્ડિનેટર્સ, પ્રોસ્થેટિક્સ એક્સપર્ટ અને રીસર્ચ ટીમનો પણ સમાવેશ થાય છે. એવી પણ ચર્ચા છે કે મુંબઈ એટીએસ હેડક્વાર્ટર્સનો પણ એક સેટ તૈયાર કરવામાં આવ્યો છે.
અગાઉ જોન અબ્રાહમે એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે તે રોહિત શેટ્ટી સાથે નવી ફિલ્મ કરી રહ્યો છે. “હું આ ફિલ્મ માટે ઘણો ઉત્સાહીત છું. અમારે ઘણા લાંબા સમયથી એકસાથે કોઈ ફિલ્મ કરવી હતી.”
