ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ રવિવારે કટકમાં ઈંગ્લેન્ડ સામે ઝંઝાવાતી બેટિંગ સાથે સદી ફટકારી કેટલાક રેકોર્ડ તોડ્યા હતા અને તેથી પણ વધુ મહત્વની બાબતમાં તે બરાબર ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફોર્મમાં આવ્યો હતો. 16 મહિના પછી રોહિતની આ પહેલી સદી રહી હતી.
રોહિતે આ 32મી વન-ડે સદી સાથે સચિન તેંડુલકરનો એક અને ક્રિસ ગેઈલનો એક રેકોર્ડ તોડ્યો હતો. 30 વર્ષની વય વટાવ્યા પછી સચિને 35 સદી ત્રણે ફોર્મેટમાં મળીને કરી હતી, તો રોહિત હવે 30 વર્ષ પછીની વયે 36 સદી કરી તેનાથી આગળ નિકળી ગયો છે. તે ઉપરાંત રોહિતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 121મી અડધી સદી નોંધાવી હતી, એ મોરચે પણ તે સચિનની 120 અડધી સદીઓથી આગળ નિકળી ગયો હતો. ઓપનર તરીકે ભારત તરફથી ત્રણે ફોર્મેટમાં રોહિતે રવિવારની મેચ પછી 15,404 રન કર્યા છે, જે વધુ એક વખત સચિનનો રેકોર્ડ તોડનારી સિદ્ધિ બની છે. સચિનનો ઓપનર તરીકેનો કુલ રનનો આંકડો 15,335નો છે. આ મોરચે રોહિત હવે ફક્ત વિરેન્દ્ર સેહવાગથી પાછળ છે, સેહવાગે કુલ 15,758 રન ઓપનર તરીકે કર્યા છે.
ત્રણે ફોર્મેટમાં મળી રોહિત સિક્સ મારવામાં વિશ્વનો નં. 1 બેટર છે, તેણે કુલ 624 છગ્ગા ટેસ્ટ મેચ, વન-ડે તેમજ ટી-20માં માર્યા છે. ટી-20માં પણ તે સૌથી વધુ -151 ઈનિંગમાં 205 છગ્ગાનો રેકોર્ડ ધરાવે છે. પણ કટકમાં તેણે સાત છગ્ગા ફટકારી ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડ્યો હતો. ગેઈલે 294 ઈનિંગમાં 331 છગ્ગા માર્યા હતા, તેનાથી હવે રોહિત આગળ નિકળી ગયો છે અને તેણે 259 ઈનિંગમાં 339 છગ્ગા ફટકાર્યા છે. હવે ફક્ત શાહિદ આફ્રિદી તેનાથી આગળ છે, તેણે 369 ઈનિંગમાં 351 છગ્ગા માર્યા છે.