તા. 3-4ના રોજ વિકેન્ડમાં થયેલા તોફાનો અંગે વડા પ્રધાન સ્ટાર્મરે રવિવારે તા. 4ના રોજ વડા પ્રધાને સ્ટાર્મરે રવિવારના રોજ રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘’રોધરહામમાં હોટેલ પર કરાયેલા હુમલાની તથા ફાર રાઇટ તોફાનોની આકરી નિંદા કરુ છું. આ ગુંડાઓ સામે કાયદાકીય રીતે જે પણ કરવું પડશે તે કરવાની પ્રતિજ્ઞા લઉ છું. જેમણે આ હિંસામાં ભાગ લીધો છે તેમને કાયદાના સંપૂર્ણ બળનો સામનો કરવો પડશે અને એ માટે કોઈ શંકા રાખવાની નથી. તોફાનોમાં ભાગ લેવા બદલ તોફાનીઓ અફસોસ કરશે. તેમની સામે પગલાં લેવા માટે કોઈ ખુલાસાની જરૂર નથી.’’
તેમણે કહ્યું હતું કે ‘’યોગ્ય વિચાર ધરાવતા સૌએ આ પ્રકારની હિંસાની નિંદા કરવી જોઈએ. આ દેશના લોકોને સુરક્ષિત રહેવાનો અધિકાર છે. અમે મુસ્લિમ સમુદાયોને નિશાન બનાવતા, મસ્જિદો પર હુમલાઓ કરતા, અન્ય લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કરતા, શેરીઓમાં નાઝી સલામ આપતા લોકો, પોલીસ પર હુમલાઓ, (અને) જાતિવાદી અણઘડ હિંસાના બનાવો જોયા છે. હું આ લોકોને ફાર રાઇટ ઠગ કહેતા શરમાતો નથી.”