નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડના સાઉથપોર્ટમાં ત્રણ બાળાઓની છરા મારી હત્યા કરવાના ગોઝારા બનાવને પગલે તા. 3ને શનિવારે હલ, લિવરપૂલ, બ્રિસ્ટોલ, માન્ચેસ્ટર, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, બ્લેકપૂલ અને બેલફાસ્ટમાં અને તા. 4ને રવિવારે રોધરહામ, ટેમવર્થ, મિડલ્સબરો, બોલ્ટન, હલ અને વેમથ તથા તા. 5ની રાત્રે બર્મિંગહામ, બેલફાસ્ટ, પ્લેમથ અને ડાર્લિંગ્ટનમાં યુકેમાં એસાયલમ મેળવવા માંગતા માઇગ્રન્ટ્સ અને મુસ્લિમ સમુદાયના લોકો સામે વ્યાપક હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. લોકોના ટોળાએ એસાયલમ મેળવનારા લોકોને આવાસ આપતી બે હોટેલો, પબ, વાહનો અને મસ્જિદોને નિશાન બનાવી વ્યાપક નુકશાન પહોંચાડ્યું હતું. અત્યાર સુધીમાં કુલ  53 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે તો ત્રણ પોલીસ ડોગ પણ હિંસામાં ઘાયલ થયા છે. બેલફાસ્ટમાં એક વ્યક્તિ પર રેસીસ્ટ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હોવાના અહેવાલ છે.

દેશવ્યાપી તોફાનોમાં અત્યાર સુધીમાં 10 મસ્જિદો પર હુમલા કરાયા છે અથવા તેમને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. વિકેન્ડના બે દિવસ દરમિયાન ફાર રાઇટ વિચારધારા ધરાવતા લોકો તથા તેમનો વિરોધ કરતા વિરોધીઓના હિંસક દેખાવોના 56 બનાવો નોંધાતા પોલીસ તોફાનો ડામવા દોડી ગઇ હતી. આ તોફાનો દરમિયાન પોલીસ અધિકારીઓ અને રાહદારીઓ પર હુમલાઓ કરાયા હતા, મિસાઇલો ફેંકવામાં આવી હતી, દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તા. 30 પછી ફાટી નીકળેલા રમખાણો બાદ દેશભરમાંથી પોલીસે  370થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે રવાન્ડન મૂળના 17 વર્ષના એક્સેલ રુદાકુબાના પર ત્રણ હત્યા અને અન્ય હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો હતો. તેનો જન્મ કાર્ડિફમાં રવાન્ડાના માતાપિતામાં થયો હતો. જો કે, પ્રારંભિક ખોટી માહિતીવાળી સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો હતો કે તે મુસ્લિમ હોવાનો તથા ગયા વર્ષે નાની હોડીમાં યુકે આવેલો શરણાર્થી હોવાનો દાવો કરાયો હતો. જેને કારણે તોફાનો વકર્યા હતા અને વિવિધ શહેરોમાં હુમલાઓ કરાયા હતા.

મૃત્યુ પામેલી બાળાની માતાએ વિરોધીઓને તોફાનો રોકવા માટે હાકલ કરી છે.

હુલ્લડને કાબુમાં લેવા માટે પોલીસ અધિકારીઓને રસ્તાઓ પર ખડકી દેવાયા હતા. વડા પ્રધાન, સર કેર સ્ટાર્મરે જાહેરાત કરી હતી કે આ અવ્યવસ્થાને પહોંચી વળવા માટે નિષ્ણાત પોલીસ અધિકારીઓનું “સ્થાયી સૈન્ય” તૈયાર છે.

પોલીસે યુકેના અન્ય શહેરો ટેમવર્થ, મિડલ્સબરો, બોલ્ટન, હલ અને વેમથમાં થયેલા હિંસક દેખાવો સામે આકરા પગલા લીધા છે. ગયા મંગળવારથી યુકેભરના નગરો અને શહેરોમાં હિંસક અવ્યવસ્થા જોવા મળી રહી છે.

તા. 5ને સોમવારે રાત્રે બેલફાસ્ટમાં 50ના દાયકાના એક વ્યક્તિ પર ગંભીર હુમલો કરાયો હતો. જેને પોલીસ વંશીય પ્રેરિત નફરતના હુમલા તરીકે વર્તે છે. નોર્ધર્ન આયર્લૅન્ડની પોલીસે “હુલ્લડો અને અવ્યવસ્થાની બીજી રાત્રિ” દરમિયાન આવું બન્યું હતું. ડાર્લિંગ્ટન અને પ્લેમથમાં પોલીસ પર હુમલા કરાયા હતા.

રાઇટ વિંગની કૂચના ખોટા અહેવાલો પછી બર્મિંગહામમાં ટોળે વળેલા લોકોએ પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવ્યા હતા અને સભામાં ઇગ્લિશ ડિફેન્સ લીગ વિરોધી નારા લગાવાયા હતા.ઘણા વાહનો અને એક પબને પણ નુકસાન કરાયું હતું.

ડાર્લિંગ્ટનની મસ્જિદની નજીક આવેલા નોર્થ લોજ પાર્ક વિસ્તારમાં “મોટાભાગે પુરુષોના બે મોટા જૂથો” ભેગા થયા પછી તા. 5ની રાત્રે પોલીસ અધિકારીઓ પર ઇંટો ફેંકવામાં આવી હતી. હિંસક અવ્યવસ્થા, પોલીસ અધિકારી પર હુમલો કરવા અને નિયંત્રિત ડ્રગ રાખવાની શંકાના આધારે 18-વર્ષના યુવાનની ધરપકડ કરવામાં આવી હતી.

મિડલ્સબરો ખાતે લગભગ 300 લોકો શહેરના સેનોટાફ ખાતે એકઠા થયા હતા અને તેમણે નગરમાં કૂચ કરી, દુકાનો, કાર અને ઘરોની બારીઓ તોડી નુકશાન પહોંચાડ્યું હતું અને પોલીસ પર ઇંટો, બોટલો અને મેટલ બાર ફેંકવા ઉપરાંત સળગતા વ્હીલી બીન પોલીસ અધિકારીઓ તરફ ધકેલ્યા હતા.

તોફાની ટોળાએ ટેમવર્થમાં આવેલી એસાયલમ સિકર્સને આવાસ આપતી હોટલોમાં આગ લગાવી દીધી હતી. બોલ્ટન, હલ અને વેમથમાં પણ હિંસક દ્રશ્યો જોવા મળ્યા હતા.

બોલ્ટનમાં ઇંગ્લેન્ડનો ધ્વજ ધરાવતા લોકોના જૂથ અને “અલ્લાહુ અકબર”ના નારા લગાવતા અન્ય જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેને કારણે પોલીસે એક અસ્થાયી આદેશ અમલમાં મૂકી લોકોને ચહેરા પરના માસ્ક દૂર કરવા ફરમાન કરાયું હતું અને પોલીસને વધારાના સ્ટોપ એન્ડ સર્ચ કરવાની સત્તાઓ આપવામાં આવી હતી.

પોલીસ તોફાનોમાં સંડોવાયેલા લોકોનું ફિલ્મીંગ કરી રહી છે જેનો ઉપયોગ તેમની સામે કાયદેસર કાર્વાહી કરવા, પૂરાવા તરીકે ઉપયોગમાં લેવા અને તેમની શોધખોળ કરવા માટે વાપરવામાં આવશે.

આ તોફાનોમાં નિરાશાજનક રીતે બાળકોની હાજરી પણ જોવા મળી છે અને નાના છોકરાઓ પોલીસ પર પથ્થર ફેંકતા દેખાયા છે. બની શકે છે કે તેઓ લોકોની નકલ કરતા હોય અથવા તો તેમના માતાપિતા દ્વારા પ્રોત્સાહિત થયા હોય.

રવિવારે સવારે પોલીસિંગ મિનિસ્ટર ડાયના જૉન્સને શંકાસ્પદ તોફાનીઓ સામે પગલા લેવા અને વધુ ઝડપથી તેમની સામે કોર્ટ કાર્યવાહી કરવા માટે કોર્ટ 24 કલાક ચાલુ રહે તેની યોજના ઘડી કાઢી હતી.

પબ્લિક ઓર્ડર માટેના દેશના વડા ચીફ કોન્સ્ટેબલ બી.જે. હેરિંગ્ટને જણાવ્યું હતું કે ટોમી રોબિન્સન સહિત સોશિયલ મીડિયા પર અશાંતિ ઉશ્કેરવાનો પ્રયાસ કરનાર તમામ લોકો પર તોફાનો ભડકાવવાનો આરોપ લાગી શકે છે. વડા પ્રધાન સ્ટાર્મરે પણ કહ્યું હતું કે “ઓનલાઈન ઉષ્કેરણી કરી ભાગી જતા” લોકોને જવાબદાર ગણવામાં આવશે.

દરમિયાન, મોનિટરિંગ ગ્રૂપ ટેલ મામાએ જણાવ્યું હતું કે ‘’મુસ્લિમો સામેના જોખમોમાં પાંચ ગણો વધારો થયો છે અને ફાર રાઇટ પ્રવૃત્તિમાં પણ વધારો થયો છે.’’

નાઈજેલ ફારેજને હાઉસ ઓફ કોમન્સ સ્ટાન્ડર્ડ્સ વોચડોગ દ્વારા તપાસનો સામનો કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે ‘’શું પોલીસ સાઉથપોર્ટમાં થયેલી હત્યાઓ માટે જવાબદાર વ્યક્તિ અંગેની માહિતી અટકાવી રહી છે કે કેમ?

LEAVE A REPLY