પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમ (BRC) ના અહેવાલ મુજબ 31 ઓગસ્ટ 2024 સુધીના વર્ષમાં આખા બ્રિટનમાં ચોરીના રોજના 55,000 લેખે કુલ 20 મિલિયનથી વધુ બનાવો બન્યા હતા જેના કારણે રિટેલ શોપકિપર્સને કુલ £2.2 બિલિયનનું નુકસાન થયું હતું.  2023-24માં દુકાનદારો તથા રીટેલ કર્મચારીઓ સાથેની હિંસા અને દુર્વ્યવહારની દરરોજની ઘટનાઓ વધીને 2,000થી વધુ થઈ ગઈ, જે એક વર્ષ પહેલા ફક્ત રોજની 1,300 હતી. આવા હિંસાના બનાવો 2020માં રોજના ફક્ત 455 બનતા હતા.

BRC એ જણાવ્યું હતું કે ‘’રિટેલ કામદારો સામે ચોરી અને હિંસાના બનાવો ગયા વર્ષે રેકોર્ડ સ્તરે “નિયંત્રણ બહાર” પહોંચી ગયા હતા. ઘણા બનાવો ઓર્ગેનાઇઝ્ડ ગેંગ દ્વારા થતા ગુનાઓ સાથે જોડાયેલા હતા, જેમાં ગેંગોએ દેશભરમાં વિવિધ સ્ટોર્સને વ્યવસ્થિત રીતે નિશાન બનાવ્યા હતા.

આવી ઘટનાઓમાં રેસીયલ અથવા જાતીય દુર્વ્યવહાર, શારીરિક હુમલો અથવા હથિયારોથી ધમકીઓ આપવાના બનાવોનો સમાવેશ થાય છે. હથિયારનો સમાવેશ થતો હોય તેવી દરરોજ 70 ઘટનાઓ બની હતી જે પાછલા વર્ષ કરતા બમણાથી વધુ છે.

“BRC ના વડા હેલેન ડિકિન્સને જણાવ્યું કે ‘’દુકાનોમાં કામ કરતા લોકો પર થૂંકવાના, રેસીસ્ટ દુર્વ્યવહાર, છરીથી ધમકી આપવાના બનાવો દરરોજ બની રહ્યા છે. ગુનેગારો વધુ હિંમતવાન અને આક્રમક બની રહ્યા છે. ઘટનાઓ પ્રત્યે પોલીસ જે પ્રતિભાવ આપે છે તેનાથી ઓછો સંતોષ રહે છે. જેને 61 ટકા લોકોએ “નબળો” અથવા “ખૂબ જ નબળો” ગણાવ્યો છે. ગુનેગારોને લાગે છે કે તેમની પાસે ચોરી, ધમકી, હુમલો અને દુર્વ્યવહાર કરવાનું લાઇસન્સ છે.”

BRC એ જણાવ્યું હતું કે ગુનાના નિવારણ માટે CCTV, સુરક્ષા ગાર્ડ, બોડી વોર્ન કેમેરા પાછળ દુકાનદારોએ £1.8 બિલિયનનું રોકાણ કર્યું છે, જે 2022/23 માં £1.2 બિલિયન હતું.

લેબર સરકારે દુકાનોમાં થતી ચોરીઓ અને અસામાજિક વર્તણૂકને રોકવા માટે મજબૂત પગલાં લેવાનું વચન આપ્યું છે અને રીટેલ કામદાર પરના હુમલા બાબતે ગુનો દાખલ કરવાની પણ યોજના ધરાવે છે.

ટ્રેડ યુનિયન અસ્ડોના જનરલ સેક્રેટરી પેડી લિલિસે જણાવ્યું હતું કે “કર્મચારીઓ દુર્વ્યવહાર, ધમકીઓ અથવા હિંસાની ઘટનાના ડર સાથે કામ કરી રહ્યા છે. અમે આ વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે BRC સાથે મળીને નોંધપાત્ર કાયદાકીય પગલાં માટે ઝુંબેશ ચલાવી છે.”

નાઇસાના રિટેલ અને સેલ્સ ડિરેક્ટર કેટી સિક્રેટને કહ્યું હતું કે ‘’રિપોર્ટમાં આઘાતજનક ચોરીઓના આંકડા દેશભરમાં ઇન્ડિપેન્ડન્ટ શોપના માલિકો જે કઠિન વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે તે દર્શાવે છે. દુકાનદારો માત્ર નાણાકીય નુકસાનથી જ નહિં પોતાની અને સ્ટાફની સલામતી માટે દૈનિક જોખમોનો સામનો કરી રહ્યા છે.”

ચેરિટી ગ્રોસરીએઇડે કહ્યું હતું કે ‘’જો તમારા સ્ટોરને યુકેમાં રીટેલ ગુનામાં વધારાથી અસર થઈ હોય તો ક્રિટિકલ ઇન્સિડેન્ટ સપોર્ટ મદદ કરી શકે છે. સંપર્ક: 08088 021 122 or www.groceryaid.org.uk

LEAVE A REPLY