
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવાર, 10 એપ્રિલે રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6 ટકા કર્યો હતો. આનાથી બેંકો માટે ઋણ ખર્ચમાં ઘટાડો થશે અને ગ્રાહકોના લોનના હપ્તામાં પણ ઘટાડો થશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ રેપો રેટ ઘટાડવા માટે સર્વાનુમતે મતદાન કર્યું હતું.
રિઝર્વ બેન્કે ચાલુ વર્ષે બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં મુખ્ય દર ઘટાડીને 6.25 ટકા કર્યો હતો.આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષનો પ્રારંભ વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાજનક સ્થિતિમાં પ્રારંભ થયો છેઅને કેન્દ્રીય બેંક વૈશ્વિક અનિશ્ચિતતાઓથી ઉદ્ભવતા ફુગાવાના જોખમો પર નજર રાખી રહી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતથી થતી નિકાસ પર પારસ્પરિક ટેરિફ લાદ્યાના થોડા દિવસો પછી રિઝર્વ બેન્કે વ્યાજદરમાં કાપ મૂક્યો છે.
આરબીઆઇએ જણાવ્યું હતું કે વેપાર ઘર્ષણને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ સામે અવરોધ ઊભો થયો છે અને તેનાથી ભારતની વૃદ્ધિને પણ અસર થશે. ઊંચી ટેરિફથી ભારતની ચોખ્ખી નિકાસ પ્રભાવિત થશે. ભારત વેપાર પર યુએસ વહીવટીતંત્ર સાથે ખૂબ જ સક્રિય રીતે મંત્રણા કરી રહ્યાં છે. વૈશ્વિક વૃદ્ધિ પર શું અસર પડશે તે હાલમાં માપવું મુશ્કેલ છે.
ભારતમાં હાલમાં ફુગાવો આરબીઆઇના ટાર્ગેટ કરતા નીચો છે અને ફૂડ પ્રોડક્ટ્સના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. ચાલુ વર્ષ માટે જીડીપી વૃદ્ધિદરનો અંદાજ 0.20 ટકા ઘટાડવામાં આવ્યો છે.
