(ANI Photo)
વિશ્વવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું ગત રવિવારે મોડી રાત્રે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું હોવાનું તેમના પરિવારે સોમવારે જણાવ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર હુસૈનનું મૃત્યુ આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી ઉભી થયેલા કોમ્પ્લિકેશન્સના કારણે થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા. થોડા સમય પછી તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં લઈ જવાયા હતા.
તેમનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી લીધા પછી તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ઝાકિર હુસૈને માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. અમેરિકાના માજી પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસ ખાતે ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટ માટે આમંત્રિત કર્યા હોય તેવા તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર હતા. તેમની કારકિર્દીની શરૂઆત માત્ર ત્રણ વર્ષની ઉંમરે થઈ હતી, ત્યારથી તેણે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે સાત વર્ષની ઉંમરે પોતાનું પ્રથમ પર્ફોમંસ આપ્યું હતું.
તેમણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 1983માં બ્રિટિશ ફિલ્મ “હીટ એન્ડ ડસ્ટ”માં ઝાકિરે ડેબ્યૂ કર્યું હતું.
આ ફિલ્મમાં શશિ કપૂરે પણ કામ કર્યું હતું. ઝાકિર હુસૈને 1998માં આવેલી ફિલ્મ સાઝમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સામે શબાના આઝમી હતી.
ઝાકિર હુસૈનને તેમની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાં આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં જ તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ્સનો સમાવેશ થાય છે. છ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં, હુસૈને ઘણા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ અંગ્રેજી ગિટારવાદક જ્હોન મેકલોફલિન, વાયોલિનવાદક એલ શંકર અને પર્ક્યુશનિસ્ટ ટી એચ ‘વિક્કુ’ વિનાયક્રમ સાથેના તેમના 1973ના મ્યુઝિકલ પ્રોજેક્ટમાં તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતના ઘટકોને તેઓ સાથે લાવ્યા હતા.
તેઓ ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક ગણાતા હતા. તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  મહાન તબલાવાદક અલ્લારખા તેમના પિતા હતા. ઝાકિર હુસૈન તેમના પિતાના પગલે ચાલ્યા અને ભારત અને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ બનાવ્યું હતું. હુસૈનને તેની કારકિર્દીમાં પાંચ ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં આવ્યા હતા.

LEAVE A REPLY