
યુકે અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલો આરોગ્ય અને લાઇફ સાયન્સ કરાર બંને દેશોમાં આરોગ્યસંભાળ ક્ષેત્રની નવીનતા અને સુરક્ષાના સહયોગને મજબૂત બનાવશે, એમ તા. 24ના રોજ લંડનમાં ઇન્ડિયા ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના સેક્રેટરીયેટ 1928 ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલા હોળી રિસેપ્શનમાં હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ‘’1948માં NHS ની સ્થાપના થઈ ત્યારથી તેના વિકાસમાં બ્રિટિશ ભારતીયોનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે, અને બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી સુનિશ્ચિત કરશે કે આપણી પાસે ‘ભવિષ્ય માટે યોગ્ય’ હેલ્થકેર પ્રોવાઇડર છે.’’
ગત જાન્યુઆરીમાં, સ્ટ્રીટિંગ અને ભારતીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ મહત્વપૂર્ણ આરોગ્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પાંચ વર્ષના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. તે કરાર એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR), નોન-કોમ્યુનિકેબલ રોગો (NCDs), ડિજિટલ હેલ્થ ઇનોવેશન્સ અને ફાર્માસ્યુટિકલ એડવાન્સમેન્ટ સહિત વૈશ્વિક આરોગ્ય પડકારોને સંબોધવા માટે સંયુક્ત પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઇલફર્ડ નોર્થના સાંસદ સ્ટ્રીટીંગે કહ્યું હતું કે “NHS એ વ્યક્તિની પૃષ્ઠભૂમિ કે નાણાં ચૂકવવાની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના, દરેકની સેવા કરવી જોઈએ. આપણી જવાબદારી છે કે આપણે ખાતરી કરીએ જેમ 20મી સદીમાં ખીલ્યા હતા તેવી જ રીતે તેની સ્થાપનાના સમાન સિદ્ધાંતો 21મી સદીમાં પણ ખીલે.’’
તેમણે કહ્યું હતું કે ‘’મારા મતવિસ્તારમાં મજબૂત ભારતીય ડાયસ્પોરા સમુદાય બંને દેશો વચ્ચે જીવંત સેતુનું પ્રતીક છે. મારા ઘણા મતદારોને તેમના બ્રિટિશ અને ભારતીય વારસા પર ગર્વ છે. આપણે ભાગ્યશાળી છીએ કે બ્રિટિશ ભારતીયો આપણા સમાજમાં આટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ સંબંધો ઊંડા છે. જેમ જેમ ભારત શક્તિ અને પ્રભાવમાં વૃદ્ધિ પામી રહ્યું છે, 21મી સદીની વૈશ્વિક શક્તિઓમાંનું એક બની રહ્યું છે, તેમ તેમ આપણી ભાગીદારી વધુને વધુ મહત્વપૂર્ણ બને છે. રોગચાળા દરમિયાન, 1928 ઇન્સ્ટિટ્યૂટે અવગણવામાં આવ્યા હોત તેવા સમુદાયો સુધી સફળ વેક્સીન રોલઆઉટ પહોંચાડવામાં સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.”
લોર્ડ ક્રિશ રાવલે વડા પ્રધાન કેર સ્ટાર્મરે પાઠવેલો હોળી ઉત્સવનો સંદેશ વાંચ્યો હતો. જેમાં સર સ્ટાર્મરે કહ્યું હતું કે “છેલ્લી ચૂંટણીમાં લેબરનો વિજય પરિવર્તનનો જનાદેશ હતો, એક ન્યાયી, વધુ સમૃદ્ધ બ્રિટન બનાવવા માટે આહ્વાન હતું. વાસ્તવિક પરિવર્તન ફક્ત સરકાર દ્વારા પ્રાપ્ત થતું નથી. તે આપણા દેશભરના લોકોના સમર્પણ, ચાતુર્ય અને સખત મહેનત દ્વારા આકાર પામે છે. બ્રિટિશ ભારતીય સમુદાય લાંબા સમયથી તે પ્રયાસના કેન્દ્રમાં રહ્યો છે. તમારા યોગદાન મને પ્રેરણા આપતા રહે છે, અને હું અહીં ઘરે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા અને ભારત સાથેના આપણા ઊંડા સંબંધોને નવીકરણ અને મજબૂત કરવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું – એક એવો સંબંધ જે આપણા બંને રાષ્ટ્રોને સમૃદ્ધ બનાવે છે.”
ઇક્વાલીટી મિનીસ્ટર સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘’સરકાર જાતિ, અપંગતા અને લિંગ પર આધારિત અસમાનતાનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે, જેથી બધા માટે તકો સાથે વધુ સમાન વિશ્વનું નિર્માણ કરી શકાય. આપણને જે પ્રિય છીએ તે આપણા સંબંધોની મજબૂતાઈ, આપણી વિવિધતામાં ગૌરવ અને પ્રગતિની ધરી તરીકે આપણા રાષ્ટ્રોનું નેતૃત્વ છે. આપણે આપણા બિઝનેસીસ કેવી રીતે વધુ નજીકથી કાર્ય કરી શકે, આપણી સંસ્કૃતિઓ કેવી રીતે વધુ જોડાયેલી હોઈ શકે અને આગામી પેઢી માટે તકો કેવી રીતે ઉપલબ્ધ થાય તે અંગે આગળ વિચારી રહ્યા છીએ. આપણું કાર્ય આવતીકાલની પ્રગતિના મૂળમાં રોકાણ કરતી વખતે વર્તમાનનું રક્ષણ કરવાનું છે.”
તેમણે કહ્યું હતું કે “હોળી એક અદ્ભુત તહેવાર છે – તેના ધાર્મિક મહત્વ ઉપરાંત, તે વસંત, નવીકરણ, આશા અને આશાવાદનો ઉજવણી છે. અણધારી ગતિશીલતા અને સતત પરિવર્તન સાથે, આપણી વધતી જતી જટિલ દુનિયામાં આપણને આશાવાદની જરૂર છે.”
ઇન્ડો-પેસિફિકના ફોરેન ઓફિસ મિનિસ્ટર કેથરિન વેસ્ટે કહ્યું હતું કે ‘’યુકેને આશા છે કે નવી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને વેપાર કરાર બ્રિટિશ અને ભારતીય સમુદાયોને એકબીજાની નજીક લાવશે. ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની તાજેતરની યુકે મુલાકાતે સ્પષ્ટ કર્યું છે કે બંને સરકારો તેમની ભાગીદારીની અપ્રચલિત સંભાવનાઓને ઓળખે છે અને રાજદ્વારી સંબંધોને ફરીથી જીવંત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. હવે આપણી પાસે માન્ચેસ્ટર અને બેલફાસ્ટમાં નવા ભારતીય કોન્સ્યુલેટ છે, જે દર્શાવે છે કે આ સંબંધો સમગ્ર યુકેમાં કેવી રીતે વિકસી રહ્યા છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ‘’ભારતીય મૂળના ઓક્સફર્ડ શિક્ષણવિદો દ્વારા રચાયેલ, 1928 ઇન્સ્ટિટ્યૂટ બ્રિટિશ ભારતીયો માટે અર્થપૂર્ણ સંવાદ બનાવવાનો પ્રયાસ કરે છે. કાર્યક્રમો, સંશોધન અને સમુદાય જોડાણ દ્વારા, તે સમુદાયના સમૃદ્ધ અને વૈવિધ્યસભર અનુભવોને પ્રકાશિત કરે છે, તેમની સાંસ્કૃતિક ઓળખની જટિલતાની ઉજવણી કરે છે.’’
આ પ્રસંગે સાંસદો બેરી ગાર્ડિનર; ડીયર્ડ્રે કોસ્ટિગન; સારાહ કૂમ્બ્સ; કનિષ્ક નારાયણ; શિવાની રાજા અને બેરોનેસ સેન્ડી વર્મા, લોર્ડ જીતેશ ગઢિયા, લોર્ડ નવનીત ધોળકિયા, વિવિધ દેશોના રાજદ્વારીઓ, યુકે-ભારત કોરિડોરના બિઝનેસ લીડર્સ અને બ્રિટિશ ભારતીય કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
