કોર્ટ તિરસ્કારના કેસમાં યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણને મંગળવાર, 13 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં મોટી રાહત મળી હતી. પતંજલિ પ્રોડક્ટ્સ સંબંધિત ભ્રામક જાહેરાતોના કેસમાં સુપ્રીમ કોર્ટે તેમની સામેની અવમાનનાની કાર્યવાહી બંધ કરી હતી અને સાથે સાથે ચેતવણી આપી હતી કે તેઓ ભવિષ્યમાં કોર્ટના આદેશોનો અનાદર ન કરે.
જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું હતું કે કોર્ટ રામદેવ અને બાલકૃષ્ણની માફી સ્વીકારે છે. જોકે અમે તેમને સ્પષ્ટ અને કડક ચેતવણી આપીએ છીએ કે તેઓ આ કેસમાં થયું છે તેવું કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરશે નહીં. અમે ચેતવણી આપીએ છીએ કે ભવિષ્યમાં આવું ન થવું જોઇએ. અમે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી બંધ કરીએ છીએ.
આ મામલો કોવિડ મહામારી વખતનો છે. પતંજલિએ 2021માં કોરોનિલ નામની દવા લોન્ચ કરી હતી અને રામદેવે તેને COVID-19 માટેની પ્રથમ પુરાવા-આધારિત દવા” તરીકે વર્ણવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોરોનિલને WHOનું પ્રમાણપત્ર હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ દાવાનો વિરોધ કરીને જણાવ્યું હતું કે તે ભ્રામક જાહેરાત છે.