અમેરિકાની ટોચની ચિપ કંપની એનવિડિયાએ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોસેસર સપ્લાય કરશે. યુએસ કંપની રિલાયન્સના જામનગર ખાતેના નિર્માણાધિન એક ગિગાવોટ ડેટા સેન્ટરને તેના બ્લેકવેલ AI પ્રોસેસર્સ સપ્લાય કરશે. મુંબઈમાં AI સમિટ દરમિયાન ચીફ એક્ઝિક્યુટિવ જેન્સન હુઆંગ અને અંબાણીએ આ અંગેની જાહેરાત કરી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે એનવિડિયા સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. રિલાયયન્સ દેશમાં વિશાળ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે એનવિડિયાની GB 200 સુપર કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
એનવિડિયાના વડા હુઆંગ અને મુકેશ અંબાણી એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી હતી અને દેશભરમાં આ ટેક્નોલોજીનો પ્રસાર કરવાનો નિર્ધાર કર્યો હતો. આ સાથે એનવિડિયાએ ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને વિપ્રો જેવી ભારતીય આઈટી કંપનીઓ સાથે પણ ભાગીદારી આગળ ધપાવવાની જાહેરાત કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નવું મહત્વનું ડેટા સેન્ટર એનવિડિયાની લેટેસ્ટ બ્લેકવેલ એઆઈ ચિપ્સનો ઉપયોગ કરશે. હુઆંગે કહ્યું હતું કે આ ભાગીદારીના ભાગરૂપે રિલાયન્સ એપ્લિકેશન તૈયાર કરશે જેના મારફતે ગ્રાહકોને આ ચિપ્સનું વેચાણ કરશે. હુઆંગ મુંબઈની બે દિવસની મુલાકાતે આવ્યા છે.
એનવિડિયા ભારતમાં છ લોકેશન્સ પર કાર્યરત્ છે. તે વિવિધ કંપનીઓ, ક્લાઉડ પ્રોવાઈડર્સ, સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરે છે અને તેમને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. તેમાં તે એનવિડિયાના સૌથી આધુનિક જીપીયુ, હાઈ પરફોર્મ્ન્સ નેટવર્કિંગ, AI સોફ્ટવેર પ્લેટફોર્મ્સ અને ટૂલ્સનો ઉપયોગ કરે છે.
અંબાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારત નવા ઈન્ટેલિજન્સ યુગમાં પ્રવેશી રહ્યું છે અને તે આગામી વર્ષોમાં ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીમાં સિદ્ધિ મેળવીને વિશ્વમાં આશ્ચર્ય ફેલાવશે. AI જેવી નવી ટેક્નોલોજી અને લોકોની આકાંક્ષાઓ ભારતીય અર્થતંત્રને આગળ ધપાવી રહ્યા છે.
