રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકાની હિલિયમ ગેસ એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શન કંપની વેવટેક હિલિયમ ઇન્કનો 12 મિલિયન ડોલરમાં 21 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ એક્વિઝિશન લો કાર્બન સોલ્યુશન્સમાં તેના સંશોધન અને ઉત્પાદન વ્યવસાયને વિસ્તૃત કરવાની રિલાયન્સની વ્યૂહરચનાનો એક ભાગ છે.
રિલાયન્સે ગુરુવાર, 28 નવેમ્બરે શેરબજારને આપેલી નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ યુએસએ એલએલસીએ 27 નવેમ્બર, 2024ના રોજ વેવટેક હેલિયમ ઇન્ક (ડબ્લ્યુએચઆઈ) સાથે શેર ખરીદી કરાર કર્યો હતો.
WHIની સ્થાપના 2 જુલાઈ, 2021એ થઈ હતી. તેને 2024માં વ્યાપારી કામગીરી શરૂ કરી હતી. WHI અમેરિકાની હિલીયમ ગેસ સંશોધન અને ઉત્પાદન કંપની છે જે ભૂગર્ભ જળાશયોમાંથી હિલીયમ ગેસનું ઉત્પાદન કરવા માટે મિલકતોના સંપાદન, સંશોધન અને વિકાસમાં રોકાયેલ છે.
હિલિયમ ગેસનો ઉપયોગ તબીબી એપ્લિકેશન, વૈજ્ઞાનિક સંશોધન, એરોસ્પેસ અને એરોનોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ફાઇબર ઓપ્ટિક્સમાં થાય છે. AI અને ડેટા સેન્ટર્સમાં અપેક્ષિત વૃદ્ધિને જોતાં, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે હિલિયમની માંગમાં વધારો થવાની ધારણા છે.