ભારતની જાણીતી કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે શુક્રવારે તેના નાણાકીય પરિણામ જાહેર કર્યા હતા. કંપનીનો Q4 નેટ પ્રોફિટ 6.4 ટકા વધીને રૂ.22,611 કરોડ થયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.21,243 કરોડ હતો. ત્રિમાસિક ધોરણે એટલે કે Q3ની સરખામણીમાં પણ નફો વધ્યો હતો. એબિટા 3.6 ટકા વધીને રૂ.48,737 કરોડ થયો હતો. રીટેલ અને ઓઈલ બિઝનેસમાં નોંધપાત્ર વધારો થયો હતો. કંપનીના બોર્ડે આ સાથે શેરદીઠ રૂ.5.5નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની Q4 આવક 8.8 ટકા વધીને રૂ.288,138 કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.2.4 લાખ કરોડ હતી.
રીલાયન્સ સૌપ્રથમ ભારતીય કંપની બની છે જેની કુલ ઈક્વિટી રૂ.10 લાખ કરોડને પાર થઈ છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક આવક 7.1 ટકા વધીને રૂ.10,71,174 કરોડ થઈ હતી. વાર્ષિક એબિટા 2.9 ટકા વધીને રેકોર્ડ રૂ.1,83,422 કરોડ થયો હતો. વાર્ષિક નેટ પ્રોફિટ 2.9 ટકા વધીને રૂ.81,309 કરોડ થો હતો. જિયોનો વાર્ષિક નફો 21.9 ટકા વધીને રૂ.26,109 કરોડ થયો હતો. રિલાયન્સ રિટેલનો વાર્ષિક નેટ પ્રોફિટ 11.6 ટકા વધીને રૂ.12,392 કરોડ થયો હતો.
આ અંગે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘નાણાકીય વર્ષ 2024-25 વૈશ્વિક બિઝનેસની દૃષ્ટિએ પડકારજનક રહ્યું હતું. મેક્રો-ઈકોનોમિક પરિસ્થિતિ નબળી હતી અને ભૌગોલિક-રાજકીય સ્તર પર પણ પરિવર્તન જોવા મળ્યું હતું. રીલાયન્સે ઓપરેશનલ ડિસિપ્લિન, ગ્રાહકલક્ષી ઈનોવેશન અને દેશની ગ્રોથની જરૂરિયાત પૂરી કરવા તરફના ફોકસને કારણે કંપની મજબૂત નાણાકીય કામગીરી દર્શાવી શકી છે.’ તેમણે કહ્યું કે ‘એનર્જી માર્કેટમાં નોંધપાત્ર વોલેટિલિટી છતાં ઓઈલથી લઈને કેમિકલ્સ સુધીના બિઝનેસમાં મજબૂત કામગીરી જોવા મળી છે. ઓઈલ અને ગેસ બિઝનેસમાં અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક એબિટા નોંધાયું છે. KGD6 અને CBM બ્લોક્સમાં ઉત્પાદન વધવાને કારણે આ શક્ય બન્યું હતું.’
રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે ‘જિયોએ તેની વર્લ્ડ ક્લાસ નેટવર્ક ટેક્નોલોજી અને તમામ ભારતીયો માટે વ્યાપક રેન્જની ડિજિટલ સર્વિસીઝ દ્વારા સતત સારી કામગીરી કરી છે. વિશ્વમાં એક જ સ્થળ પર જ્યાં સૌથી વધુ લોકો એકત્ર થયા હતા તે મહાકુંભ મેળામાં લાખો યુઝર્સને સર્વિસ પ્રોવાઈડ કરવાનો પણ જિયોને ગર્વ છે.’
રીલાયન્સની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સનો Q4 નેટ પ્રોફિટ 25.7 ટકા વધીને રૂ.7022 કરોડ થયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.5587 કરોડ હતો. એવરેજ રેવન્યૂ પર યુઝર (ARPU) 13.5 ટકા વધીને રૂ.206.2 થઈ હતી. ગત વર્ષે આ ગાળામાં ARPU રૂ.181.7 હતી. કંપનીની આવક 17.8 ટકા વધીને રૂ.39,853 કરોડ થઈ હતી. એબિટા 18.5 ટકા વધીને રૂ.17,016 કરોડ થયો હતો. કુલ સબસ્ક્રાઈબર્સ બેઝ વધીને 48.8 કરોડ થયો હતો, જેમાં ટ્રુ5Gના 19.1 કરોડનો સમાવેશ છે. ડેટા ટ્રાફિક 24 ટકા વધ્યો હતો.
રીલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડનો Q4 નેટ પ્રોફિટ 29 ટકા વધીને રૂ. 3545 કરોડ થયો હતો. આવક 15.7 ટકા વધીને રૂ. 88,620 કરોડ થઈ હતી. રીલાયન્સ રીટેલ વેન્ચર્સનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું હતું કે કાર્યક્ષમતામાં સુધારો, ઈનોવેટિવ ફોર્મેટ, શાર્પ પ્રોડક્ટ મિક્સ, અને ટેક્નોલોજી તથા કસ્ટમર એક્સપીરિયન્સમાં સતત રોકાણને કારણે કંપનીની આવક અને નફો નોંધપાત્ર વધ્યા છે.
