અમેરિકાના પ્રેસિડેન્ટપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના નોમિનેશન માટે ઈન્ડિયન અમેરિકન ઉમેદવાર અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના કેમ્પેઈનનો ગયા સપ્તાહે આરંભ થયા પછી પ્રથમ સપ્તાહ એકથી વધુ રીતે રેકોર્ડબ્રેક રહ્યું હતું.
હેરિસના કેમ્પેઈનની ધમાકેદાર સિદ્ધિઓમાં દોઢ લાખથી વધુ સ્થાનિક અમેરિકન ગોરી મહિલાઓની રેકોર્ડ ઝૂમ મીટિંગ અને તેમાં $બે મિલિયનની જંગી રકમ એકત્ર કરાયાનો રેકોર્ડ થયો હતો, તો હેરિસના કેમ્પેઈનના પ્રથમ સપ્તાહમાં જ $200 મિલિયનની તોતિંગ રકમ એકત્ર કરાયાના અહેવાલો મળે છે.
કમલા હેરિસે ગયા સપ્તાહે એક દિવસમાં પણ રેકોર્ડ ફંડ એકત્ર કર્યું હતું. તે ઉપરાંત ભારતીય અમેરિકનો, એક વખતે નિક્કી હેલીના સમર્થક રહેલા જૂથનું સમર્થન, ડેમોક્રેટિક પાર્ટીમાં વ્યાપક ટેકો, નોમિનેશન માટેના કન્વેન્શનમાં ઉપસ્થિત રહેનારા ડેલિગેટ્સમાંથી પણ જરૂરી હોય તેના કરતાં વધુ જંગી સમર્થન કમલા હેરિસને તેના પ્રેસિડેન્ટપદ માટેના જંગમાં જોતજોતામાં મળી ગયું છે.
બાઈડેન ખસી ગયા પછી ટ્રમ્પના સીધા હરિફ તરીકે કમલા હેરિસ જાહેર થતાં લોકપ્રિયતાની રેસમાં પણ કમલા હેરિસ જોતજોતામાં ટ્રમ્પની ખૂબજ નજીક, ફક્ત બે ટકા જેટલા નજીવા માર્જિન સુધી પહોંચી ગયા હતા. હેરિસની લોકપ્રિયતા, સમર્થન અને ફંડનો ગ્રાફ જે રીતે સડસડાટ ઉંચો જઈ રહ્યો છે તે જોઈને હવે ટ્રમ્પ અને તેના કેમ્પેઈન તેમજ છાવણીમાં એક પ્રકારનો ગભરાટ ફેલાયાના સંકેતો પણ મળી રહ્યા છે.