મંદીના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં પોલિશ્ડ હીરાની ઘટતી માંગને ટાંકીને સુરતની અગ્રણી ડાયમંડ કંપની કિરણ જેમ્સે તેના 50,000 કર્મચારીઓ માટે 17થી 27 ઓગસ્ટ સુધી 10 દિવસનું ‘વેકેશન’ જાહેર કર્યું હતું. કિરણ જેમ્સ કંપનીની વેબસાઇટ મુજબ, તે નેચરલ ડાયમંડની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક કંપની છે.
કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે “અમે અમારા 50,000 કર્મચારીઓ માટે 10 દિવસના વેકેશનની જાહેરાત કરી છે. જો કે અમે કેટલીક રકમ કાપીશું, પરંતુ આ સમયગાળા માટે તમામ કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવશે. મંદીના કારણે અમને આ વેકેશનની જાહેરાત કરવાની ફરજ પડી છે. હવે હું આ મંદીથી કંટાળી ગયો છું.”
તેમણે જણાવ્યું હતું કે રફ હીરાનો પૂરતો સપ્લાય મળતો નથી અને પોલિશ્ડ હીરોની માગનો અભાવ છે. અન્ય કંપનીઓ પણ માંગમાં આ ઘટાડાથી પ્રભાવિત છે, પરંતુ તેઓ મૌન છે. અમે સક્રિયપણે આ જાહેર કર્યું કારણ કે અમે ઇચ્છીએ છીએ કે લોકો વાસ્તવિકતા જાણે. કર્મચારીઓ માટે આ વેકેશન અમારા ઉત્પાદનને તર્કસંગત બનાવવામાં મદદ કરશે.
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખુંટે લાખાણીના મંતવ્યોનો પડઘો પાડતા કહ્યું કે મંદીના કારણે સ્થાનિક હીરા ઉદ્યોગને અસર થઈ છે. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિશ્વના લગભગ 90 ટકા હીરા પ્રોસેસ કરે છે. કિરણ જેમ્સે પ્રથમ વાર આવું વેકેશન જાહેર કર્યું છે. જોકે અત્યાર સુધી અન્ય કોઈ પેઢીએ આવું પગલું ભર્યું નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે મંદીના કારણે પોલિશ્ડ હીરાના વેચાણમાં ઘટાડો થયો છે.
95 ટકા પોલિશ્ડ હીરાની નિકાસ થતી હોય છે અને વૈશ્વિક માગનો અભાવ છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષને તથા પશ્ચિમી દેશોએ મૂકેલા વિવિધ પ્રકારના પ્રતિબંધને કારણે આ ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે.
ખુંટે જણાવ્યું હતું કે 2022માં અમારા હીરા ઉદ્યોગનું ટર્નઓવર લગભગ ₹2,25,000 કરોડ હતું, જે આજે ઘટીને લગભગ ₹1,50,000 કરોડ થઈ ગયું છે. સુરતમાં અંદાજે 4,000 મોટા અને નાના ડાયમંડ પોલિશિંગ અને પ્રોસેસિંગ એકમો લગભગ 10 લાખ લોકોને સીધી રોજગારી પૂરી પાડે છે.

LEAVE A REPLY