બળવાખોરોએ સત્તાપલટો કર્યા પછી સીરિયાના ભૂતપૂર્વ પ્રમુખ હાફેઝ અલ-અસદની પ્રતિમાને ધારાશાયી કરી હતી. . REUTERS/Orhan Qereman

સીરિયામાં બળવાખોરોએ 13 વર્ષના ગૃહયુદ્ધ પછી રવિવારે, 8 ડિસેમ્બરે રાજધાની દમાસ્કસ પર કબજો કરીને સત્તાપલટો કર્યો હતો. પ્રેસિડન્ટ બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે રશિયા ભાગી ગયા હતાં. આની સાથે સીરિયામાં અસદ પરિવારના છ દાયકાના નિરંકુશ શાસનનો અંત આવ્યો હતો. અસદની આર્મીએ બળવાખોરોનો કોઇ પ્રતિકાર કર્યો ન હતો અને સૈનિકો પણ ભાગી છૂટયા હતા. સરમુખત્યાર પ્રમુખનું શાસન ઉથલી પડ્યું તે જાણીને લોકો શેરીઓ અને રસ્તાઓ ઉપર ઊતરી આવ્યાં હતાં અને ચિચિયારીઓ પાડી બળવાખોર યોદ્ધાઓનું અભિવાદન કર્યું હતું.
રાજધાની દમાસ્કસ ઉપર કબ્જો જમાવનારા સશસ્ત્ર બળવાખોરો ખુબ ઝડપથી આગળ વધી રહેલા જોઇ સરકાર ઘૂંટણીએ પડી ગઇ હતી. આ સાથે સિરિયામાં છેલ્લાં 50 વર્ષથી પ્રમુખ અસદના પરિવારના લોખંડી શાસનનો અંત આવ્યો હતો. સીરિયામાં છેલ્લાં 13 વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું જેમાં હજારો લોકોની કત્લેઆમ થઇ હતી અને અંદાજે એક કરોડ લોકો વિસ્થાપિત થયા હતા.

રશિયાના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે બશર અલ અસદે રાજીનામું આપી દીધું છે અને શાંતિપૂર્વક સત્તા સોંપવાની સૂચના સાથે સીરિયા છોડી દીધું છે. રશિયા મંત્રણામાં પ્રત્યક્ષ રીતે ક્યાંય ન હતું. રશિયા ઈરાન સાથે મળીને 2015થી અસદની સરકારને બળવાખોરો સામે લડવા મદદ કરી રહ્યું હતું. સીરિયાની સરકારની માલિકીની ટીવી ચેનલ પર એક નિવેદન સાથેનો વીડિયો પ્રસારિત કરાયો હતો જેમાં એક જૂથે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે પ્રમુખ બસરની સરકારને ઉથલાવી નાંખવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તમામ કેદીઓને મુક્ત કરી દેવામાં આવશે.

સીરિયાના વિરોધપક્ષના નેતાએ જાહેરાત કરી હતી કે પ્રમુખ બસર દેશ છોડીને કોઇ અજ્ઞાત સ્થળે ભાગી ગયા છે. રાજધાની ઉપર સંપૂર્ણ કબજો જમાવ્યા બાદ બળવાખોરો પ્રમુખના મહેલ તરફ આગળ વધ્યા હતાં. તેમાં ઘુસીને લૂંટફાટ કરી હોવાના પણ અહેવાલ મળ્યા હતા.

સીરિયાની રાજધાની દમાસ્કસ ફરતે લશ્કરી દળો અનેક વર્ષોથી તહેનાત હોવાથી વિરોધી દળો માટે કબજો મુશ્કેલ હતો. પરંતુ 2018 પછીથી સૌપ્રથમવાર તેઓ દમાસ્કસ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. સીરિયાના સૌથી શક્તિશાળી બળવાખોર જૂથ હયાત તાહિર અલ-શામ (HTS)ની આગેવાની હેઠળ અને તુર્કી સમર્થિત સીરિયન નેશનલ આર્મીના સૈનિકોએ મળીને 27 નવેમ્બરે આશ્ચર્યજનક આક્રમણ કર્યું હતું. તેમણે એલેપ્પો અને હામા નામના બે મહત્વના શહેરો પર કબજો કરી લીધો હતો. HTS અગાઉ અલ-કાયદા સાથે જોડાયેલું હતું. હવે તે સશસ્ત્ર કાર્યવાહીની સાથે વહીવટ પણ સંભાળવા માંડ્યું છે. HTSના નેતા અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ અગાઉ કહ્યું જ હતું કે તેમનો ઉદ્દેશ અસદ સરકારને ઉથલાવવાનો છે.

LEAVE A REPLY