રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે ફુગાવાના જોખમોને ટાંકીને તેનો મુખ્ય વ્યાજ દર યથાવત રાખ્યો હતો, પરંતુ કેશ રિઝર્વ રેશિયો (CRR)માં કાપ મૂક્યો હતો. તેનાથી ફાઇનાન્શિયલ સિસ્ટમમાં વધુ લિક્વિડિટી છૂટી થશે અને બેન્કો વધુ ધિરાણ આપી શકશે.
રિઝર્વ બેન્કે તેની સતત 11મી નાણાનીતિની સમીક્ષામાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યા ન હતા અને રેપો રેટને 6.5 ટકાએ યથાવત રાખ્યો હતો. આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીના છમાંથી ચાર સભ્યોએ વ્યાજદરને યથાવત રાખવાનો મત આપ્યો હતો. જોકે બે સભ્યોએ વ્યાજદરમાં ઘટાડો કરવાની તરફેણ કરી હતી.
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કેશ રિઝર્વ રેશિયો (બેન્કોએ આરબીઆઇમાં રાખવી પડતી થાપણો)ની ટકાવારી) 0.5 ટકા ઘટાડીને 4 ટકા કરાયો છે, જે 14 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં અમલી બનશે. આ કાપથી બેન્કિંગ સિસ્ટમમાં રૂ.1.16 લાખ કરોડની રકમ છુટી થશે અને ટૂંકા ગાળાના વ્યાજદરમાં નરમાઈ આવશે અને બેન્ક ડિપોઝિટ રેટ પરનું દબાણ ઘટશે.
આરબીઆઈએ માર્ચ 2025ના અંતે પૂરા થતા વર્ષ માટે તેના જીડીપી વૃદ્ધિના અનુમાનને 7.2 ટકાના અગાઉના અંદાજથી ઘટાડીને 6.6 ટકા કર્યો હતો. જોકે ફુગાવાનો અંદાજ અગાઉના 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો હતો. ફુગાવો આરબીઆઈના 4 ટકાના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે, ઓક્ટોબરમાં ફુગાવો 6.21 ટકાની 14 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.