બ્રિટિશ શાસન દરમિયાન 28 ડિસેમ્બર 1937ના રોજ સૂનો અને નવલ ટાટાને ત્યાં જન્મેલા રતન ટાટા ટાટા હાઉસમાં ઉછર્યા હતાં. શરાબનું સેવન અને ધુમ્રપાન ન કરનાર રતન ટાટાએ આજીવન લગ્ન કર્યા ન હતાં.
રતન ટાટા જેટલા સફળ ઉદ્યોગપતિ હતાં, તેટલું જ તેમનું અંગત જીવન રહસ્યમય અને ખાનગી રહ્યું હતું. તેમણે ક્યારેય પોતાના અંગત જીવન વિશે જાહેરમાં વાત કરી નથી. પરંતુ 1997માં આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે પોતાની અધૂરી લવસ્ટોરી વિશે જણાવ્યું હતું.
રતન ટાટાએ સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે 1960ના દાયકામાં અમેરિકામાં અભ્યાસ કર્યા બાદ તેમણે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેમની મુલાકાત એક છોકરી સાથે થઈ હતી અને તેઓ પ્રેમમાં પડ્યાં હતા. પરંતુ દાદી નવાઝબાઈ ટાટાએ તેમને ભારત પાછા બોલાવ્યા હતાં. રતન ટાટાએ કહ્યું કે તેમને લાગ્યું કે તેઓ ભારત આવ્યા પછી જે છોકરી સાથે તેઓ લગ્ન કરવા માંગતા હતાં તે પણ આવશે. પરંતુ 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે આવું થઈ શક્યું નહીં. બીજા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમના ચાર વખત લગ્ન થતાં થતાં રહી ગયા હતા.
તેઓ બે ભાઈઓ જીમી અને નોએલ તથા સાવકી માતા સિમોન ટાટા સાથે તેમના પરિવારમાં રહેતા હતાં. દક્ષિણ મુંબઈની કેમ્પિયન સ્કૂલ અને કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ અને શિમલામાં બિશપ કોટન સહિતની ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હતો. રતન ટાટાએ સંગીત ઉસ્તાદ ઝુબિન મહેતા અને બિઝનેસ મેગ્નેટ અશોક બિરલા અને રાહુલ બજાજ, ડ્યુકના માલિક દિનશા પંડોલે જેવા જાણીતા વ્યક્તિઓ સાથે ક્લાસરૂમાં ભણ્યા હતાં.
તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્કિટેક્ચરની ડિગ્રી મેળવી હતી. શરૂઆતમાં તેમના પિતાના આગ્રહથી એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે શરૂઆત કરી હતી. એન્જીનિયરીંગથી નારાજ થઈને તેઓ બે વર્ષ પછી આર્કિટેક્ચર તરફ વળ્યા હતા. IBM તરફથી નોકરીની ઓફર નકારીને, લોસ એન્જલસમાં જોન્સ અને એમોન્સ સાથે થોડા સમય માટે કામ કર્યું હતું. 1962માં તેઓ ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં સહાયક તરીકે જોડાયા હતા અને 29 વર્ષ પછી ટાટા સન્સના ચેરમેન બન્યા હતાં. .
રતન ટાટા ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના પ્રપૌત્ર હતાં. તેઓ 1990થી 2012 સુધી જૂથના અધ્યક્ષ અને ઓક્ટોબર 2016થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના અધ્યક્ષ હતાં. રતન ટાટા ગ્રુપના ચેરિટેબલ ટ્રસ્ટના વડા છે.