મૂળ કમ્પાલા અને કમુલી યુગાન્ડાના વતની અને હાલ લેસ્ટર ખાતે રહેતા રસિકલાલ હરિદાસ કોટેચાનું ૮૭ વર્ષની વયે શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક માહોલમાં તેમના ઘરમાં પ્રેમાળ પરિવારની વચ્ચે શાંતિપૂર્ણ અવસાન થયું હતું.
તેઓ હરિદાસ વિશ્રામ કોટેચા અને પ્રેમબેન હરિદાસ કોટેચાના સમર્પિત પુત્ર અને પ્રભુદાસ નારણદાસ બદિયાણી અને લક્ષ્મીબેન પ્રભુદાસ બડિયાણીના જમાઈ હતા. તેઓ હેમલતાના પ્રિય પતિ હતા. તેમના પરિવારમાં તેમના ૩ બાળકો અને ૬ પૌત્રો છે જેમના તેઓ ગૌરવશાળી દાદા અને નાનુ હતા.
આધ્યાત્મિક વ્યક્તિ રસિકલાલ ત્રણ ભાઈઓ અને બે બહેનોના ખૂબ જ પ્રેમાળ અને વિશાળ પરિવારના ભાગ રૂપે મોટા થયા હતા. અઢળક ભૌતિક સંપત્તિ હોવા છતાં, તેઓ હંમેશા પિતા હરિદાસની નમ્રતા અને એકબીજાની સંભાળ રાખવાના ઉદાહરણને અનુસરતા, તો માતા પ્રેમબાઈની આધ્યાત્મિકતા પ્રત્યેની અતૂટ ભક્તિને અનુસરતા. 17 વર્ષની ઉંમરે કમ્પાલામાં પોપટ બ્રધર્સ સાથે જોડાનાર રસિકલાલ જ્યાં બાળપણ વિતાવ્યું હતું તે કમુલીને ભૂલ્યા ન હતા.
રસિકલાલે 1965માં હેમલતા સાથે લગ્ન કર્યા હતા અને તેમના પ્રથમ બાળક નિકેશનો જન્મ એક વર્ષ પછી કમ્પાલામાં થયો હતો. એક સફળ બિઝનેસમેન તરીકે પોતાની કારકિર્દી વિકસાવતા રસિકલાલે તેમની જન્મજાત ઉદ્યોગસાહસિક ભાવનાને પગલે ટૂંક સમયમાં વેપાર વ્યવસાય જગતના કુશળ નેવિગેટર બન્યા હતા. તેમણે નાની ઉંમરે જ કમ્પાલાના કોલોલોમાં કૂપર પ્રોવિઝન સ્ટોર નામનો બિઝનેસ શરૂ કર્યો હતો.
તે પછી તેમના પ્રિય પુત્ર અને પુત્રી, રાકેશ અને કનિકા પરિવારમાં જોડાયા હતા. પણ 1972માં, સરમુખત્યાર ઇદી અમીને એશિયનોને દેશ છોડવા હુકમ કરતા ફક્ત £38 રોકડા, થોડીક સુટકેસ અને પ્રિય ફોટોગ્રાફ્સ સાથે તેમના પત્ની અને બાળકો ઇંગ્લેન્ડ આવ્યા હતા.
મુશ્કેલ સમય દરમિયાન રસિકલાલને પત્ની અને બાળકોથી બળજબરીથી અલગ કરાયા હતા. પરંતુ ઘણા મહિનાઓ પછી તેઓ આખરે ઓસ્ટ્રિયા થઈને આગા ખાન ફાઉન્ડેશનની મદદથી પરિવાર સાથે જોડાયા હતા.
તેમણે લેસ્ટરમાં રહેવાનું શરૂ કર્યું હતું. બાળકોને સ્થાનિક સ્ટેટ સ્કૂલમાં દાખલ કરાયા હતા તો રસિકલાલ અને હેમલતાએ ખૂબ જ સખત મહેનત કરી, ફેક્ટરીઓમાં અને ઘરે લાંબા સમય સુધી કામ કર્યું હતું. નરસી મામા ઠકરાર રસિકલાલને લેસ્ટરમાં ટિલ્ડા રાઇસ શરૂ કરવા સાથે લઇ આવ્યા હતા. તેમણે ટિલ્ડા સાથે 35 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો અને 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા હતા.
નિવૃત્તિ બાદ તેમનો સમય આધ્યાત્મિકતા અને પરિવારથી ભરેલો રહ્યો હતો. તેઓ સતત બાળકો, પૌત્રો અને વિસ્તૃત પરિવારથી ઘેરાયેલા રહેતા – જેમને તેમણે ઘણું બધું આપ્યું હતું.
તેમની લોકોની સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વિખ્યાત હતી. યુકે, ભારત અને વિશ્વભરમાં તેમણે સખાવતી કાર્યો દ્વારા તેઓ સેવાની સુવાસ પ્રસરાવી હતી. તેઓ પરિવાર અને મિત્રો માટે પ્રેમ, દયા, આદર અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો વારસો છોડી ગયા છે જે હંમેશા જીવંત રહેશે અને સૌને પ્રેરણા આપશે.
સ્વ. રસીકલાલના અંતિમ સંસ્કાર મંગળવાર 18 માર્ચ 2025ના રોજ સાંજે 4.30 વાગ્યે લેસ્ટરશાયરના ગ્રેટ ગ્લેન ક્રેમોરિયમ ખાતે યોજાયા હતા. તે પછી સૌએ મેરિયોટ હોટેલ, લેસ્ટર ખાતે પ્રસાદી લીધી હતી. જેમાં પરિવારના સભ્યો અને સેંકડો મિત્રો હાજર રહ્યા હતા.
કોટેચા પરિવારે સાથે જોડાયેલા અને શોક સંદેશાઓ મોકલનારા બધાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સંવેદના મોકલવા સંપર્ક: [email protected]
