હાઈકોર્ટના આદેશને પગલે ગુજરાતના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે શનિવારે બળાત્કાર અને ગુનાહિત ધમકીના આરોપ સાથે એફઆઈઆર દાખલ કરાઈ હતી. ગજેન્દ્ર સિંહ પરમાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.
એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું હતું કે આરોપી ગજેન્દ્રસિંહ પરમાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારાની જોગવાઈઓ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે, કારણ કે પીડિતા દલિત છે. કથિત ઘટના જુલાઈ 2020માં બની હતી.
હાઈકોર્ટે ધારાસભ્ય વિરુદ્ધ પીડિતાની ફરિયાદ પર એફઆઈઆર ન નોંધવા બદલ પોલીસની ઝાટકણી કાઢી તે પછી પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે પરમારે 30મી જુલાઈ 2020ના રોજ તેને ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટર્સમાં બોલાવી હતી અને લગ્ન કરવાના બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. ત્યારબાદ ધારાસભ્યએ તેના ફોન કોલ્સને અવગણવાનું શરૂ કર્યું. એક વાર ફોન કોલ ઉપાડ્યો હતો અને જાતિવાદી ટીપ્પણીઓ કરી હતી અને ધમકી આપી કે જો તે આ સંબંધોની વાત જાહેર કરશે તો અપહરણ કરાવામાં આવશે. 2021માં મહિલાએ હાઇકોર્ટમાં એક વિશેષ ફોજદારી અરજી દાખલ કરી હતી. જેમાં વિનંતી કરવામાં આવી હતી કે પોલીસને FIR નોંધવા માટે આદેશ આપવામાં આવે.