(ANI Photo)

બોલીવૂડના યુવા ચોકલેટી અભિનેતા રણબીર કપૂરે તાજેતરમાં મુંબઈમાં પોતાનો લાઇફ સ્ટાઇલ સ્ટોર શરૂ કર્યો છે. બાન્દ્રામાં વિસ્તારમાં તેણે ‘આર્ક્સ’નામની બ્રાન્ડનો સ્ટોર લોંચ કર્યો છે. આર્ક્સ એ માત્ર એક નવી બ્રાન્ડ નથી પરંતુ તે રણબીર કપૂરની પોતાની વ્યક્તિગત સ્ટાઇલ છે, તેનું સ્નીકર્સ માટેનું પેશન અને સામાન્ય ફેશનમાં પણ ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવા માટેની તેની માન્યતા આ બ્રાન્ડમાં જોવા મળે છે.

આર્ક્સમાં કાળજીપૂર્વક પસંદ કરેલા કેટલાંક કાપડમાંથી બનેલા આરામદાયક ફિટિંગ વાળા ટ્રાઉઝર, હંમેશા અને કોઈ પણ પ્રસંગે કે સ્થળે પહેરી શકાય એવા સફેદ ટી-શર્ટ, શર્ટ અને સ્ટાઇલિશ ફૂટવેર બનાવે છે. આ બ્રાન્ડના કપડાં અને એસેસરીઝ તરોતાજા, બિન્દાસ લૂક સાથે બારીકીથી બનાવવામાં આવ્યા છે, જેમાં રણબીર કપૂરની ફિલ્મી સફર તેમજ તેની સતત બદલાતી ફેશન સેન્સની પણ ઝલક જોવા મળશે.

આર્ક્સને શરૂ કરવા પાછળની પ્રેરણા અંગે રણબીરે તેની સ્ટાઈલ કઈ રીતે અનુકૂળ હોવાની સાથે મુંબઈ સાથે લાંબું જોડાણ ધરાવે છે, તે અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, “મેં વિશ્વના અનેક શહેરોનો પ્રવાસ કર્યો છે. પરંતુ મને મુંબઈ જેવી એનર્જી ક્યાંય અનુભવાઈ નથી. અહીંની ઊર્જા જ એવી છે જે તમને પ્રયત્ન કરવા પ્રેરણા આપે છે, નિષ્ફળ જાઓ અને ફરી ખડા થઈને કામે લાગો. તમે અટકી જ ન શકો અને ચાલતા જ રહો. મુંબઈ મારા અસ્તિત્વનો અને મારી આત્માનો એક ભાગ છે. મારું ઘર છે. હું દરેક ગલીમાં ક્રિકેટ રમ્યો છું, દરેક ખુણામાં ફૂટબોલની કિક મારી છે અને આ શેરીઓમાં સાઇકલ ચલાવી છે.”

ગત વર્ષે જ્યારે રણવીરે પોતાના બર્થડે નિમિત્તે આ બ્રાન્ડની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોએ તેના ખુબ વખાણ કર્યા હતા. તેમના માટે રણબીરે એવી એક પ્રમોશનલ ફિલ્મ પણ બતાવી હતી, જેમાં તેણે પોતાની પહેલી ફેશનની યાદો તાજી કરી હતી અને મુંબઇની ગલીઓમાં સાઇકલ ચલાવવાની યાદો વિશે વાત કરી હતી.

રણબીરે પોતાની આર્ક્સ બ્રાન્ડના સ્નીકર્સ વિશે વાત કરતા કહ્યું,“મારા માટે, એ માત્ર સ્ટાઇલિશ જ ન લાગ જોઈએ. એ પગ માટે સૌથી વધુ આરામદાયક પણ હોવા જોઈએ. આર્ક્સમાં મારી સફર અને મારી અંગત સ્ટાઇલની ઝલક છે. જ્યારે તમે કલેક્શન જોશો, તો તેની દરેક બારીક બાબતમાં તમને મારી ઝલક જોવા મળશે.” આ બ્રાન્ડ શરૂ કરવા પાછળ રણબીરનો હેતુ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ફેશનને આરામદાયક બનાવીને ક્રાંતિ લાવવાનો છે.

LEAVE A REPLY