રાજકુમાર રાવની આ વર્ષે ચાર ફિલ્મો રીલીઝ થઇ હોવાથી તે સતત વ્યસ્ત હતો. તેણે તાજેતરમાં નવી એક્શન આધારિત ફિલ્મ ‘માલિક’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. રાજકુમારે બે વર્ષ અગાઉ ‘હિટઃ ધ ફર્સ્ટ કેસ’ નામની એક્શન ફિલ્મમાં કામ કર્યું હતું. આ તેની બીજી એકશન ફિલ્મ છે. ‘માલિક’માં એ બે સ્વરૂપે જોવા મળશે. એકમાં તે દાઢી સાથે અસ્તવ્યસ્ત દેખાય છે, તો બીજામાં એકદમ સોફિસ્ટીકેટેડ દેખાય છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થયું અને સતત ત્રણ મહિના ચાલતું રહ્યું. મુંબઈ ઉપરાંત લખનૌ અને બનારસમાં પણ શૂટિંગ થયું હતું. બનારસના બ્રહ્માવર્ત ઘાટ પર હજારો દીવા પ્રગટાવી દિવાળી સિકવન્સનું શૂટિંગ કરવામાં આવ્યું. તે પછી કાનપુરમાં લગ્નની સિકવન્સનું શૂટિંગ ત્રણ દિવસ માટે ચાલ્યું હતું. ‘માલિક’નું દિગ્દર્શનન પુલકિતે કર્યું છે. પુલકિત અને રાજકુમાર અગાઉ એક ફિલ્મ કરી ચૂક્યા છે. 2017માં તેમની ફિલ્મ ‘બોઝઃ ડેડ/અલાઇવ’ આવી હતી. આ ફિલ્મમાં ઐતિહાસિક કથાનક હતું. ‘માલિક’ લોકોને મજા પડે તેવી એક્શન ફિલ્મ છે. એકશન ડાયરેક્ટર વિક્રમ દહિયાએ સ્ટંટ સીન્સ શૂટ કર્યા છે. બંગાળી ફિલ્મોના સુપરસ્ટાર પ્રસનજીત આ ફિલ્મમાં રાજકુમારના ગુરૂની વિશેષ ભૂમિકામાં જોવા મળશે.