લંડનના બિઝનેસ માટેના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ અને કંપનીના સહ-સ્થાપક પરેશ દાવદ્રાને 2020માં તેમની રેશનલFX કંપનીમાંથી £750,000 ડિવિડન્ડ અપાયું હતું. જ્યારે 30થી વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. તેમણે સ્થાપેલી કંપનીને રોગચાળાની અસ્થિરતાથી ફટકો પડ્યો હતો તેમ કહેવાય છે.
આ કંપની ગત વર્ષે નવેમ્બરમાં નાદાર થઈ તે પહેલાં $12 બિલીયનના મૂલ્યનું આંતરરાષ્ટ્રીય વિનિમય કર્યું હોવાનો દાવો કરાય છે. અગાઉ કેનેરી વ્હાર્ફ ખાતે હેડક્વાર્ટર ધરાવતી ફિનટેકે તેની નિષ્ફળતાના મુખ્ય કારણ તરીકે રોગચાળાને જવાબદાર ઠેરવ્યો હતો.
કંપનીઝ હાઉસના દસ્તાવેજો મુજબ 2020ના અંત સુધીમાં કંપનીની 55 લોકોની મજબૂત સેલ્સ અને માર્કેટિંગ ટીમ ઘટીને 23 લોકોની થઇ ગઇ હતી. જ્યારે વહીવટી વિભાગના કર્મચારીઓની સંખ્યા 90થી ઘટીને 74 થઈ ગઈ હતી. કર પૂર્વેનો નફો 2020માં અડધાથી વધુ ઘટીને £1.26 મિલિયન થયો હતો જે અગાઉના વર્ષે આશરે £2.8 મિલીયન હતો.
અગ્રવાલ 2016માં ચીફ એક્ઝિક્યુટિવ પદેથી હટી ગયા હતા પરંતુ 2022 સુધી ડિરેક્ટર તરીકે રહ્યા હતા અને ગયા વર્ષે જ્યારે તેઓ નીચે ગયા ત્યારે પણ 50 ટકાથી વધુ શેરની માલિકી ધરાવતા હતા.
અગ્રવાલે ગયા મહિનાની સામાન્ય ચૂંટણીમાં લેસ્ટર ઈસ્ટ માટે લેબર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેઓ અસફળ રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 2016માં ચીફ એક્ઝિક્યુટિવ પદ છોડ્યા પછી “વ્યવસાયમાં સક્રિય રહ્યા ન હતા”.