માર્ચ મહિનાથી યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમના કેપ્ટનની જવાબદારી રજત પાટીદારને સોંપવામાં આવી છે. હવે તે સાઉથ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસનું સ્થાન લેશે. ગત સીઝનમાં પ્લેસિસ આ ટીમનું સુકાન સોંપાયું હતું.
આઇપીએલની આ સીઝન માટેની હરાજી અગાઉ નવેમ્બર 2024માં બેંગલુરુની ફ્રેન્ચાઇઝીએ રજત પાટીદારને રીટેઇન કર્યો હતો. પાટીદાર અગાઉ સૈયદ મુસ્તાક અલી ટી20 અને વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં મધ્ય પ્રદેશની ટીમનું સુકાન સંભાળી ચૂક્યો છે. 31 વર્ષીય પાટીદારે અગાઉ 2022માં ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો હતો. તેના નેતૃત્ત્વમાં મધ્ય પ્રદેશની ટીમ ગયા વર્ષે સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશી હતી જ્યાં મુંબઈ સામે તેનો પરાજય થયો હતો.
બેંગલુરુની ટીમના ચીફ કોચ એન્ડી ફ્લાવરે જણાવ્યું હતું કે રજત એકદમ સરળ વ્યક્તિ છે અને તે તેની આસપાસના લોકોનું ધ્યાન રાખે છે. છેલ્લા કેટલાક સમયથી માત્ર ખેલાડી તરીકે જ બેંગલુરુ માટે રમી રહેલા કોહલીના કેપ્ટન તરીકેના પુનરાગમનની ચર્ચા વચ્ચે ફ્રેન્ચાઇઝીએ પાટીદારને આગેવાની સોંપી હતી. જોકે ખુદ વિરાટ કોહલીએ આ પસંદગીને આવકારી હતી. તેણે એક વીડિયો નિવેદનમાં રજતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે હું અને ટીમના તમામ સભ્ય તારી સાથે છીએ અને તને અમારો સહકાર રહેશે.
રજત પાટીદાર ભારતની મોખરાની ડોમેસ્ટિક ટી20 ટુર્નામેન્ટમાં આ સીઝનમાં સૌથી વધુ રન ફટકારવામાં બીજા ક્રમે રહ્યો હતો. તેણે મુસ્તાક અલી ટી20માં 428 રન કર્યા હતા અને તેની સરેરાશ 61ની તથા સ્ટ્રાઇક રેટ 186.08નો રહ્યો હતો.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)