ગુજરાતમાં સોમવાર, 15 જુલાઇએ અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરુચ, નર્માદા, વડોદાર, ડાંગ જિલ્લાના આશરે 158થી વધુ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. સોમવાર, 15 જુલાઇના સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળામાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ આશરે 14 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરત સિવાય ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં પણ આ સમયગાળામાં ભારે વરસાદ થયો હતો.
માત્ર ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદને પગલે ભરુચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. અનેક નદીઓમાં પૂર આવ્યું હતું. અમરાવતી અને કાવેરી બંને નદીઓ બંને કાંઠે વહેતી થઈ હતી અને તેના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યાં હતા. મુશળધાર વરસાદે લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું હતું. પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતાં.
સુરતના ઉમરપાડા વિસ્તારમાં સુરત જિલ્લાના ઈકો ટુરીઝમ દેવઘાટ ધોધનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ઓવરફ્લો થતી મોહન નદીના કારણે આવેલા પૂરના કારણે કોઝવે પણ બંધ કરાયો હતો.
નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે રાજપીપળાના સ્ટેશન રોડ, કાછીયાવાડ અને સત્યમનગર કોલોની જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખેડૂતો લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા તેઓ ખુશ થયા હતાં. રાજપીપળા શહેર સહિત જિલ્લાના સાગબારા, ડેડીયાપાડા, ટીકલવાળામાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો.
અમદાવાદમાં પણ સોમવારે બપોરે વાતાવરણ એકાએક પલટાયું હતું. શહેરમાં જોરદાર પવન ફુકાંવા લાગ્યો હતો અને કાળા વાદળો ઘેરાયા હતા અને આશરે દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. બપોરથી શરુ થયેલા વરસાદને પગલે ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. પૂર્વની સાથે સાથે પશ્ચિમ અમદાવાદના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાને કારણે લોકોના વાહનો બંધ પડી ગયા હતાં. અમદાવાદમાં બપોરે એક વાગ્યા સુધી મધ્યઝોનમાં એક ઇંચ અને ઉતરઝોનમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં સરેરાશ વરસાદ પોણો ઇંચ નોંધાયો હતો.