ગૌતમ અદાણી પર યુએસમાં કથિત લાંચ અને સિક્ટોરિટી ફ્રોડના આરોપ લાગ્યા પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ગૌતમ અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરતાં જણાવ્યું હતું કે અદાણીને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દો. હવે તે ખૂબ જ સ્પષ્ટ અને સ્થાપિત થઈ ગયું છે કે અદાણીએ અમેરિકન અને ભારતીય બંને કાયદાઓ તોડ્યા છે. મને આશ્ચર્ય થાય છે કે અદાણી એક મુક્ત વ્યક્તિની જેમ કેમ ફરે છે.
અદાણી અને સહયોગી પર અમેરિકાના યુએસ પ્રોસિક્યુટર્સે 250 મિલિયન યુએસ ડોલરની લાંચ આપવાનો આરોપ લગાવ્યાના કલાકો પછી નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે તે હવે એકદમ સ્પષ્ટ અને સ્થાપિત થઈ ગયું છે કે ઉદ્યોગપતિએ ભારતીય તેમજ અમેરિકન કાયદાનો ભંગ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક હૈં તો સેફ હૈં’ના નારા પર કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન અને અદાણી એકસાથે છે ત્યાં સુધી તેઓ ભારતમાં સુરક્ષિત છે. અદાણીની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને પૂછપરછ કરવી જોઈએ જ્યારે તેમના “રક્ષક” અને સેબીના ચેરપર્સન માધબી પુરી બુચને તેમના પદ પરથી હટાવી દેવા જોઈએ અને તપાસ શરૂ કરવી જોઈએ. તેઓ સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન આ મુદ્દો ઉઠાવશે. સમગ્ર વિપક્ષ આ મુદ્દે એકજૂથ છે અને સંયુક્ત રીતે આ મુદ્દો ઉઠાવશે.
અદાણી ગ્રુપના ટ્રાન્ઝેક્શનની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માગણી કરતાં કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે હું ખાતરી આપી શકું છું કે ભારતમાં અદાણીની ધરપકડ અથવા તપાસ કરવામાં આવશે નહીં કારણ કે મોદી સરકાર તેમનું રક્ષણ કરી રહી છે. પીએમની વિશ્વસનીયતાનો નાશ થયો છે. આખો દેશ જાણે છે કે અદાણી અને પીએમ એક છે. અમે દરેકને અને સમગ્ર નેટવર્કને ખુલ્લા પાડીશું. માધબી બૂચ પ્રથમ ઉદાહરણ હતું. ભારત અદાણીની પકડમાં છે. અદાણી ભારતને નિયંત્રિત કરી રહ્યું છે. અમે તેમને છોડીશું નહીં. મને વિશ્વાસ છે કે અમે ધીમે ધીમે કામ કરીશું અને અંતે અમે આ માળખું તોડી પાડીશું.