લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બુધવારે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી હતી. અગાઉ કોંગ્રેસે લોકસભા સચિવાલયને આ પદ માટે તેમના નામની ભલામણ કરી હતી. આમ રાહુલ ગાંધી પ્રથમ વખત બંધારણીય હોદ્દો સંભાળી રહ્યાં છે.
બુધવારે જારી કરાયેલ એક જાહેરનામામાં લોકસભા સચિવાલયે જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને 9 જૂનથી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.
રાહુલ ગાંધી પોતાની રાજકીય કારકિર્દીમાં પહેલીવાર બંધારણીય પદ પર બેઠા છે આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક નહીં પરંતુ બે લોકસભા સીટો પર જીત મેળવી હતી. તેમણે રાયબરેલી અને વાયનાડની સીટ પર જીત મેળવી હતી જોકે તેમણે આમાંથી વાયનાડની સીટ છોડવાનો નિર્ણય કર્યો હતી.
10 વર્ષ બાદ કોંગ્રેસને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળ્યું છે. વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે લોકસભામાં કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકો મેળવવી જોઈએ. એટલે કે 55 સાંસદો જરૂર છે. 2014 અને 2019માં કોંગ્રેસ આ આંકડાથી દૂર રહી ગઈ હતી. જોકે આ વખતે સ્થિતિ થોડી અલગ છે. આ વખતે કોંગ્રેસ પાર્ટી પાસે 99 સાંસદ છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસ પાસે સરકારને ઘેરવાની સારી તક છે.