વિશ્વભરના પ્રતિષ્ઠિત સ્ટેજ પર પરફોર્મ કરનાર વિખ્યાત ગાયક કલાકાર ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન અને તેમના પુત્ર શાહ ઝમાન અલી ખાનના અવિસ્મરણીય કોન્સર્ટ ‘લેગસી ઓફ ધ ખાન યુકે ટૂર 2025’નું આયોજન 4 એપ્રિલના રોજ બીપી પલ્સ લાઈવ, બર્મિંગહામ, 5 એપ્રિલના રોજ ઓવીઓ એરેના વેમ્બલી, લંડન અને 6 એપ્રિલના રોજ એઓ એરેના, માન્ચેસ્ટર ખાતે યોજાયું હતું.
રોક ઓન મ્યુઝિક, કોન્સર્ટ ઓર્ગેનાઇઝેશન અને ગીસ્ટાર એમ્પાયર દ્વારા યોજાયેલ કોન્સર્ટમાં રાહતની સાથે 20 વર્ષના નનયુવાન શાહ ઝમાન અલી ખાને આત્માને સ્પર્શતા પ્રદર્શનથી હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને તેમના મહાન દાદાના અવાજની શક્તિશાળી યાદોને તાજી કરી હતી.
ગાયકી, કવ્વાલી, સૂફી અને બોલિવૂડ સંગીતમાં નિપુણતા માટે પ્રખ્યાત ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાને તેમના કાકા, ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનના વારસાને આગળ ધપાવ્યો હતો અને આત્માને ઉત્તેજિત કરતી સૂફી અને બોલિવૂડની ધૂનો દ્વારા અનેક લોકોના દિલ જીતી લીધા હતા.
સૂફી ક્લાસિકથી લઈને બોલિવૂડ ચાર્ટ-ટોપર્સ સુધી પોતાના લાઇવ પર્ફોર્મન્સથી વિશ્વભરના લાખો લોકોને મોહિત કરનાર ઉસ્તાદ રાહતના કોન્સર્ટના આયોજક રોક ઓન મ્યુઝિકના ડિરેક્ટર વિજય ભોલાએ કહ્યું હતું કે “આટલા મહાન કલાકાર સાથે કામ કરવાની તક મળવા બદલ ગર્વ થાય છે. પહેલી વાર ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાને તેમના પુત્ર શાહ ઝમાન અલી ખાન સાથે સ્ટેજ શેર કર્યું હતું. રોક ઓન મ્યુઝિક કોન્સર્ટ યુકેમાં લોકોને એક કરવા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવામાં સંગીતની શક્તિનો પુરાવો છે.’’
રાહત ફતેહ અલી ખાને લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સભ્યોને સંબોધન કર્યું હતુ જ્યાં તેમણે પ્રવાસના મહત્વ અને તેઓ જે સંગીત વારસાને સન્માનિત કરે છે તેના પર પ્રતિબિંબ પાડ્યું હતું. તેમણે કહ્યું હતુ કે “આ પ્રવાસ મારા ઉસ્તાદ અને કાકા, નુસરત ફતેહ અલી ખાન અને તેમના પહેલાની પેઢીઓને શ્રદ્ધાંજલિ અર્પશે. જેમણે આપણા સંગીતને આકાર આપ્યો છે. તે ફક્ત સાઉથ એશિયન સમુદાય માટે જ નહીં, પરંતુ સંગીતમાં આત્મા શોધનારા દરેક માટે ભાવનાને જીવંત રાખવા વિશે છે.”
લંડનના ઓવીઓ એરેના વેમ્બલી ખાતે યોજાયેલા રેકોર્ડબ્રેક શોમાં લગભગ 12,000 ચાહકો ભેગા થયા હતા. જ્યાં રાહત ફતેહ અલી ખાને તેમના અત્યાર સુધીના સૌથી યાદગાર પ્રદર્શનોમાંનું એક આપ્યું હતું.
લંડન અને માન્ચેસ્ટરના શોમાં પ્રખ્યાત પાકિસ્તાની ગાયક વારિસ બેગના પુત્ર ગાયક અમ્માર બેગના પર્ફોર્મન્સનો પણ સમાવેશ કરાયો હતો. યુકે પ્રવાસ પછી, ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન આગામી શો સ્પેનમાં કરવા માટે તૈયારી કરી રહ્યા છે.
