
22 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની પ્રથમ સ્પ્રિંગ બેઠક માટે વોશિંગ્ટન ડીસી જઈ રહેલા ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રેચલ રીવ્સે જણાવ્યું હતું કે ‘’હું હંમેશા અમારી પરિવર્તન યોજનાના ભાગ રૂપે બ્રિટિશ હિતોનું રક્ષણ કરવા માટે કાર્ય કરીશ. આપણને એક એવી વિશ્વ અર્થવ્યવસ્થાની જરૂર છે જે રોકાણ અને વેપાર કરવા માંગતા બિઝનેસીસ માટે સ્થિરતા લાવે, સહિયારા હિતો ધરાવતા રાષ્ટ્રો વચ્ચે વધુ વેપાર અને વૈશ્વિક ભાગીદારી થાય અને કામ કરતા લોકોને સુરક્ષા પ્રદાન કરે.’’
યુનાઇટેડ સ્ટેટ્સની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, રેચલ રીવ્સ બદલાતા વૈશ્વિક અર્થતંત્ર વિશે G7, G20 અને IMFના સમકક્ષો સાથે બેઠકો યોજશે. ચાન્સેલર આર્થિક વિકાસ શરૂ કરવા, બિઝનેસીસને ટેકો આપવા અને કામ કરતા લોકોના ખિસ્સામાં વધુ પૈસા મૂકવા માટે વેપારમાં અવરોધોનો સામનો કરવાના મહત્વ પર ભાર મૂકશે.
મુલાકાત પહેલા રેચલ રીવ્સે કહ્યું હતું કે “દુનિયા બદલાઈ ગઈ છે, અને આપણે વૈશ્વિક વેપારના નવા યુગમાં છીએ. મને કોઈ શંકા નથી કે ટેરિફ લાદવાની વૈશ્વિક અર્થતંત્ર અને ઘરઆંગણાના અર્થતંત્ર પર ઊંડી અસર પડશે. લોકો જીવનનિર્વાહના ખર્ચ વિશે ચિંતિત છે અને બિઝનેસીસ ચિંતિત છે કે ટેરિફ તેમને કેવી અસર કરશે.”
ચાન્સેલર રીવ્સ બ્રિટન સાથે આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની તકો વિશે વિવિધ દેશોના નાણામંત્રીઓ સાથે ચર્ચા કરશે, જેમાં ટ્રાન્સ-પેસિફિક ભાગીદારી માટે વ્યાપક અને પ્રગતિશીલ કરારનો સમાવેશ થાય છે. યુરોપિયન નાણામંત્રીઓ સાથેની વાતચીતમાં સંરક્ષણ ખર્ચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
રીવ્સ તેમના યુએસ સમકક્ષ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ સાથે નવા વેપાર કરાર દ્વારા યુકે-યુએસ આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા અંગે ચર્ચા કરનાર છે.
વોશિંગ્ટનમાં, ચાન્સેલર આર્થિક વિકાસ શરૂ કરવા માટે સરકારની પરિવર્તન યોજના વિશે પ્રોફેશનલ્સ લીડર્સને પણ મળશે. તેઓ બ્રિટનને રહેવા, કામ કરવા અને બિઝનેસ વધારવા માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે રજૂ કરશે.
આ મહિનાની શરૂઆતમાં ચાન્સેલરે ભારત સરકાર સાથે સંરક્ષણ, નાણાકીય સેવાઓ, શિક્ષણ અને વિકાસ સહિત વિવિધ પ્રોફેશનલ ક્ષેત્રોમાં £400 મિલિયનથી વધુના વેપાર અને રોકાણની જાહેરાત કરી હતી.
