ક્વાડ લીડર્સ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ (એલ) અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાનું અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડનને અભિવાદન કર્યું હતું. . (PTI Photo)

અમેરિકામાં ડેલવેહરના ડેલવેરમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બેનિસ વચ્ચે યોજાયેલી ક્વોડ લીડર્સ સમિટ દરમિયાન અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડને જણાવ્યું હતું કે અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારત માટે કાયમી સભ્યપદ સહિત ભારતના મહત્વપૂર્ણ અવાજને પ્રતિબિંબિત કરવા વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની પહેલને સમર્થન આપે છે. ક્વાડ નેતાઓએ કાયમી અને બિનકાયમી સભ્યપદ કેટેગરીમાં વિસ્તરણ મારફત UNSCમાં સુધારાને સમર્થન આપવાનું વચન આપ્યું હતું. આફ્રિકન, એશિયન, લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોને UNSCમાં સામેલ કરવાની પણ તરફેણ કરાઈ હતી.

ક્વાડ સમીટમાં પૂર્વ અને દક્ષિણ ચીન સાગરની સ્થિતિને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.. કોસ્ટ ગાર્ડ અને લશ્કરી જહાજોના ખતરનાક ઉપયોગની પણ નિંદા કરી હતી. આ ઉપરાંત દરિયાઈ સીમા સંબંધિત વિવાદોને UNCLOSના નિયમો હેઠળ ઉકેલવા માટે કહેવામાં આવ્યું છે.

સમીટ પછીના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત-યુએસ ભાગીદારી પૃથ્વીને માટે સ્વચ્છ, સમાવિષ્ટ, વધુ સુરક્ષિત અને વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવવાના પ્રયાસોની સફળતા માટે મહત્વપૂર્ણ છે.વડાપ્રધાન મોદીએ સમિટમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે ક્વોડ ‘કાયમી’ છે અને ‘કોઈની વિરુદ્ધ નથી’. ચીનના સંદર્ભમાં તેમણે કહ્યું કે ક્વાડના નેતાઓ નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સાર્વભૌમત્વના સન્માનના પક્ષમાં છે અને તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ

ક્વાડ સંગઠન ચીનની વિસ્તરણવાદી નીતિની વિરુદ્ધ બનાવવામાં આવ્યા હોવાની વ્યાપક માન્યતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદનનું વિશેષ મહત્ત્વ છે.

ક્વાડ સમીટ પહેલા વડાપ્રધાન મોદીએ પ્રેસિડન્ટ બાઇડન સાથે તેમના ડેલાવેર સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન બાઇડને મોદીને ગળે લગાવીને આવકાર્યા હતાં. આ પછી બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. મોદીએ જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી.

સંયુક્ત નિવેદનમાં ઉત્તર કોરિયાના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમની નિંદા કરાઈ હતી. ઉત્તર કોરિયાને તેના પરમાણુ કાર્યક્રમ બંધ કરવા અને વાટાઘાટોના માર્ગ પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું.

સંયુક્ત નિવેદનમાં યુક્રેન યુદ્ધ અંગે પણ ચિંતા વ્યક્ત કરીને જણાવાયું હતું કે આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાને ધ્યાનમાં રાખીને યુક્રેન મુદ્દાનો ઉકેલ શોધવો જોઈએ. નિવેદનમાં તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરાઈ હતી. તેમાં સરહદ પારના આતંકવાદ, 26/11ના મુંબઈ હુમલા, પઠાણકોટ આતંકવાદી હુમલો અને 9/11ના આતંકવાદી હુમલાની પણ નિંદા કરાઈ હતી.

LEAVE A REPLY