અમેરિકાના વિલમિંગ્ટનમાં ગત સપ્તાહે યોજાયેલાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા (ક્વાડ દેશો)ના છઠ્ઠાં શિખર સંમેલનમાં સંયુકત ઘોષણાપત્રમાં ચારેય દેશોએ સાથે મળીને ત્રાસવાદ તેમજ સમુદ્રમાં ષડયંત્ર જેવી છીછરી પ્રવૃત્તિઓ બંધ કરવાની પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી હતી.
ક્વાડ દેશોએ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં સુધારા કરવાને સમર્થન આપ્યું હતું તો શિખર સંમેલનના યજમાન અમેરિકાએ સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન જાહેર કર્યું હતું. `કવાડ’ના સંયુકત નિવેદનમાં જણાવાયું હતું કે, અમે મુંબઇ ત્રાસવાદી હુમલા તેમજ પઠાણકોટ હુમલાની ટીકા કરીએ છીએ. `ક્વાડ’ દેશોએ ત્રાસવાદી હુમલાઓ તેમજ દરિયામાં રચાતા ષડયંત્રોના સંબંધે સંયુકત નિવેદનમાં પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી હતી. આ શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બનીઝ આ શિખર સંમેલનમાં સામેલ થયા હતા.
સંયુકત રાષ્ટ્રોની સલામતી સમિતિની 1276 નિયંત્રણ સમિતિના માધ્યમથીત્ર ત્રાસવાદી હુમલાઓના કારસા રચનાર અને આવાં કૃત્યોને ઉત્તેજન આપનારા વિરુદ્ધ કડક પગલાં લેવાય તે જરૂરી છે, તેવું `ક્વાડ’ના ઘોષણાપત્રમાં જણાવાયું હતું. ક્વાડ શિખર સંમેલન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બેઠક એવા સમયે થઇ છે, જ્યારે દુનિયા સંઘર્ષોથી ઘેરાયેલી છે. આવી સ્થિતિમાં ક્વાડનું સાથે મળીને ચાલવું જરૂરી છે. ક્વાડ દેશો કોઇના વિરોધમાં નથી, પરંતુ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, ક્ષેત્રિય અખંડિતતા અને તમામ પ્રશ્નોના શાંતિપૂર્વકના ઉકેલનું સમર્થન જરૂર કરે છે, તેવું ચીન પર પરોક્ષ પ્રહાર કરતાં મોદી બોલ્યા હતા. ક્વાડ દેશો સર્વાઇકલ કેન્સર સામેની લડાઇમાં સાથે મળીને કામ કરશે. ભારત આ ઘાતક રોગની ચાર કરોડ રસી મફતમાં આપશે તેવી ઘોષણા વડાપ્રધાન મોદીએ કરી હતી.