યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈને સમાપ્ત કરવાના “ઉમદા મિશન” માટે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વ નેતાઓનો આભાર માન્યો હતો. ગુરુવારે યુક્રેનના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર પોતાની પહેલી જાહેર ટિપ્પણી કરતી વખતે પુતિને આ નિવેદન આપ્યું હતું.
પુતિને ગુરુવારે પુષ્ટિ આપી હતી કે રશિયા યુદ્ધવિરામ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ આવી વ્યવસ્થાની શરતો સ્પષ્ટ થવી જોઈએ.જુલાઈ 2024માં કહ્યું હતું કે મોસ્કો ટૂંકા ગાળાના વિરામમાં રસ ધરાવતો નથી, પરંતુ સંઘર્ષના કારણોનો ઉકેલ લાવવા માગે છે.
મંગળવારે સાઉદી અરેબિયામાં પોતપોતાના પ્રતિનિધિમંડળો વચ્ચે થયેલી બેઠક બાદ વોશિંગ્ટન અને યુક્રેન બંનેએ 30 દિવસના કામચલાઉ યુદ્ધવિરામને સમર્થન આપ્યું હતું.
પુતિને જણાવ્યું હતું કે યુક્રેનની યુદ્ધવિરામ માટેની તૈયારીને હું કેવી રીતે જોઉં છું તેનું મૂલ્યાંકન કરતા પહેલા, હું સૌ પ્રથમ અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પનો આભાર માનીને શરૂઆત કરવા માંગુ છું, જેમણે યુક્રેનમાં સંઘર્ષના ઉકેલ માટે આટલું ધ્યાન આપ્યું છે. ઘણા રાષ્ટ્રના વડાઓ ચીનના પ્રેસિડન્ટ, ભારતના વડા પ્રધાન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકન રિપબ્લિકના પ્રમુખોએ યુક્રેન યુદ્ધના ઉકેલ માટે ઘણા સમય આપ્યો છે. અમે તે બધાના આભારી છીએ, કારણ કે આનો ઉદ્દેશ્ય એક ઉમદા મિશન હતું.
યુદ્ધવિરામ અંગે પુતિને જણાવ્યું હતું કે અમે દુશ્મનાવટ બંધ કરવાના પ્રસ્તાવો સાથે સંમત છીએ. પરંતુ અમારું વલણ એ છે કે આ યુદ્ધવિરામ લાંબા ગાળાની શાંતિ તરફ દોરી જાય અને આ કટોકટીના પ્રારંભિક કારણોને દૂર કરે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સંઘર્ષ શરૂ થયું ત્યારથી, વડા પ્રધાન મોદીએ પુતિન તેમજ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ઘણી વખત વાતચીત કરી છે.
