પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બ્રિટિશ એશિયન ઉદ્યોગસાહસિકોનું સન્માન કરાયું
- સરવર આલમ દ્વારા
ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાતના પ્રકાશક અશિયન મીડીયા ગૃપ દ્વારા તા. 26મી જૂન 2024ના રોજ સેન્ટ્રલ લંડનની ભવ્ય ધ પાર્ક પ્લાઝા રિવરબેંક હૉટેલ ખાતે યોજાયેલા સૌ પ્રથમ ઈસ્ટર્ન આઈ પ્રોપર્ટી એવોર્ડ્સમાં દેશના પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બ્રિટિશ એશિયન ઉદ્યોગસાહસિકોનું સન્માન કરી તેમની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં કુલ 12 એવોર્ડ્ઝ એનાયત કરાયા હતા અને એક પેનલ ડિસ્કસનનું પણ આયોજન કરાયું હતું. સુમિક્સના સહયોગથી યોજવામાં આવેલ આ સમારોહને ઓકનોર્થ અને એસબીઆઈ યુકે દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
અર્બન પ્લાનીંગ, કોમર્શીયલ એન્ડ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ અને નેઇબરહૂડના રીજનરેશન પર ફોકસ કરવા સાથે આ સમારંભમાં બ્રિટનના તેજીવાળા પ્રોપર્ટી માર્કેટમાં એશિયનોની સિદ્ધિઓના દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સન્માનિત લોકોમાં અગ્રણી પ્રોપર્ટી ડેવલપર્સ, અગ્રણી હોટેલીયર્સ, ફાઇનાન્સ, લૉ, કન્સલ્ટન્સી અને સંબંધિત સેવાઓ પૂરી પાડતા પ્રોફેશનલ્સનો સમાવેશ થતો હતો.
સમારોહના મુખ્ય વક્તા અને સ્ક્રેટરી ઓફ સ્ટેટ ફોર એનર્જી, સિક્યુરીટી એન્ડ નેટ ઝીરો સુશ્રી ક્લેર કોટિન્હોએ આ સમારોહમાં બ્રિટિશ એશિયનોની પેઢીઓથી ચાલી આવતી ઉદ્યોગસાહસિક ભાવનાની સરાહના કરી હતી.
ક્લેર કોટિન્હોએ પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે “નાના પાયાની સંસ્થાઓથી લઈને મોટા કોર્પોરેશનો સુધી ઘણી પ્રતિભાશાળી વ્યક્તિઓ છે, તમે તમારી ડિઝાઇનમાં ઉદ્યોગસાહસિક ભાવનાને લાવી રહ્યા છો, તમારા પાયોનીયરીંગ વિકાસ, નેઇબરહૂડમાં ફરી વળવા માટેનું તમારું સમર્પણ અને દેશને માટે જરૂરી નવસર્જન લાવી રહ્યા છો – તે માત્ર પ્રભાવશાળી જ નથી પણ તે સમાજમાં બ્રિટિશ એશિયનોના યોગદાનની પણ વાત રજૂ કરે છે.”
એશિયન મીડિયા ગ્રુપના ડિરેક્ટર અને સોલંકી ફેમિલી ઑફિસના પાર્ટનર જૈમિન સોલંકીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ‘’યુકેના અર્થતંત્રના પાયા માટે પ્રોપર્ટી માર્કેટ મહત્વપૂર્ણ છે. તે 12 મિલિયન લોકોને રોજગારી આપે છે અને ફોરેન કેપિટલ માટેનું મુખ્ય સ્થળ છે; પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રી અને બિઝનેસને પણ આધાર આપે છે. પ્રોપર્ટી ડેવલપમેન્ટ અને અર્બન પ્લાનિંગમાં વિવિધતાને સ્વીકારવાથી વધુ સમાવેશી અને સ્થિતિસ્થાપક સમાજ તરફ દોરી જાય છે. જ્યારે આપણે આપણા શહેરો અને નેઇબરહૂડને વિવિધ વસ્તીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરીએ છીએ, ત્યારે આપણે એવી જગ્યાઓ બનાવીએ છીએ જે બધા માટે આવકારદાયક અને અનુકૂળ હોય. આ અભિગમ માત્ર જીવનની ગુણવત્તામાં જ વધારો કરતું નથી પણ સાથે સાથે સંબંધ અને સામાજિક એકતાની ભાવનાને પણ ઉત્તેજન આપે છે. આ સાંજ વિવિધતાની સકારાત્મકતા અને વંશીય સમુદાયોએ આ ક્ષેત્રમાં આપેલા યોગદાનની ઉજવણી વિશે છે.”
પ્રિન્સેસ એન દ્વારા ગયા વર્ષે જ લોન્ચ કરાયેલ હિંદુજા પરિવારના ધ OWO રેફલ્સને પ્રતિષ્ઠિત ઈસ્ટર્ન આઈ પ્રોપર્ટી ડેવલપર ઓફ ધ યર એવોર્ડ અપાયો હતો. આ એવોર્ડ રાજધાની લંડનમાં અત્યાર સુધી જોવા મળેલા સૌથી મહત્વાકાંક્ષી રેસિડેન્શીયલ અને હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સમાંના એકના સ્કેલને માન્યતા આપે છે.
લંડનના વ્હાઇટહોલમાં આવેલ ઓલ્ડ વોર ઓફિસને પુનઃસ્થાપિત કરવા માટે હિન્દુજા ગ્રૂપે Onex હોલ્ડિંગ્સ સાથે ભાગીદારી કરી છે. 1906માં પૂર્ણ થયેલી આ એડવર્ડિયન યુગની મહાન ઇમારતોમાંની એક ઓલ્ડ વોર ઓફિસમાંથી વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટનના યુદ્ધ પ્રયાસોનું નેતૃત્વ કર્યું હતું.
OWO Raffles એ હિન્દુજા પરિવારની હોસ્પિટાલીટી ક્ષેત્રની શરૂઆત હતી અને હિન્દુજા ગ્રુપના ચેરમેન જીપી હિન્દુજાના પુત્રવધૂ શાલિની દ્વારા આ ડેવલપમેન્ટનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.
છ વર્ષના રીસ્ટોરેશન પ્રોજેક્ટમાં £1.4 બિલિયનનો ખર્ચ થવાનો અંદાજ છે, મૂળ ફૂટપ્રિન્ટને 580,000 ચોરસ ફૂટથી 800,000 ચોરસ ફૂટ સુધી વિસ્તૃત કરવામાં આવી છે. અલંકૃત માર્બલ કમાનોની નીચે બોલરૂમ અને સ્વિમિંગ પૂલ બનાવવા માટે જમીનની નીચે ત્રણ નવા માળ ખોદવામાં આવ્યા હતા. અહીં 120 હોટેલ રૂમ, 85 રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ, નવ રેસ્ટોરાં, ત્રણ બાર, એક સ્પા અને એક જિમ છે. જી.પી. હિન્દુજાએ અગાઉ જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢીઓ માટે લંડનમાં OWO એ અમારો સૌથી મોટો વારસો હશે.
અન્ય એવોર્ડ વિજેતાઓમાં ડેવલપર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, લૉ અને ફાઇનાન્સ બિઝનેસીસ અને હોટેલીયર્સનો સમાવેશ થાય છે.
પ્રોપર્ટી ડેવલપમેન્ટમાં ફાઇનાન્સર્સની નિર્ણાયક ભૂમિકાને ઇસ્ટર્ન આઇ બેંક ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી, જે એવોર્ડ ઓકનોર્થને આપવામાં આવ્યો હતો. 2015માં શરૂઆત થઈ ત્યારથી, OakNorth એ ડેટા અને એનાલિટિક્સનો ઉપયોગ કરીને અને ધિરાણ અને વ્યક્તિગત બેંકિંગ સેવાઓની ઍક્સેસ પ્રદાન કરીને ઉદ્યોગસાહસિકોને તેમના બિઝનેસને વધારવા માટે સમર્થન આપ્યું છે. 2023માં, તેમણે £1.7 બિલીયનનું ધિરાણ પૂરું પાડ્યું હતું જે સમયે અન્ય તમામ બેંકોનું ઋણ 16 ટકા ઘટ્યું હતું.
એજીંગ પોપ્યુલેશને જેના વિકાસને વેગ આપ્યો છે તે કેર હોમ્સ સેક્ટર આ કાર્યક્રમમાં સન્માનિત કરાયેલ અન્ય ક્ષેત્રો પૈકીનું એક હતું. હોલમાર્ક લક્ઝરી કેર હોમ્સના અધ્યક્ષ અવનીશ ગોયલે સાઉથ ડાઉન્સ નેશનલ પાર્ક પાસેના તેમના હોલમાર્ક એંગમેરિંગ ગ્રેન્જ લક્ઝરી કેર હોમ માટે ઈસ્ટર્ન આઈ કેર હોમ ડેવલપર ઓફ ધ યરનો એવોર્ડ મેળવ્યો હતો. તેની વિશેષતાઓમાં સિનેમા, કોકટેલ બાર સાથેનો કાફે, બે હેર સલૂન અને પરંપરાગત આઈસ્ક્રીમ પાર્લરનો સમાવેશ થાય છે. ત્યાં લેન્ડસ્કેપ ગાર્ડન્સ, સમર હાઉસ, ગાર્ડનિંગ ક્લબ વિસ્તાર, રોયલ મેઇલ પોસ્ટ-બોક્સ અને ફિટનેસ સાધનો પણ છે.
ઈસ્ટર્ન આઈ હોટેલ ડેવલપર ઓફ ધ યર એવોર્ડ વેસ્ટકમ્બ ગ્રુપને તેમના શોરડિચમાં આવેલ હેમ્પટન બાય હિલ્ટન ઓલ્ડ સ્ટ્રીટના રીફર્બીશમેન્ટ માટે આપવામાં આવ્યો હતો. તે સસ્ટેઇનેબલ બાંધકામના ઉચ્ચ ધોરણનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલો એક સફળ મલ્ટિ-મિલિયન પાઉન્ડ પ્રોજેક્ટ હતો જેને બિલ્ડિંગ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ એન્વાયર્નમેન્ટલ એસેસમેન્ટ મેથડોલોજી (BREEAM) તરફથી “ઉત્તમ” રેટિંગ મળ્યું હતું.
બેસ્ટવે ગ્રૂપને રિયલ એસ્ટેટના પર્યાવરણીય પ્રભાવને ઘટાડવાના તેમના કાર્ય માટે માન્યતા આપવામાં આવી હતી અને તેમણે ઈસ્ટર્ન આઈ સસ્ટેનેબલ બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો હતો. આ જૂથ તેની રિયલ એસ્ટેટ એસેટ્સની ખાતરી કરે છે – જે £1 બિલિયન કરતાં વધુ છે અને તેમાં વેરહાઉસિંગ, બિઝનેસ પ્રોપર્ટી અને રેસિડેન્શીયલ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે જે બધા ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સને અપનાવે છે, તેમના કાર્બન ફૂટપ્રિન્ટ અને તેમની પર્યાવરણીય અસરને ઘટાડે છે.
વાસ્તુ ઈન્ટીરીયર ડીઝાઈનના સ્થાપક રીના પટેલે ઈસ્ટર્ન આઈ ઈન્ટીરીયર ડીઝાઈનર એવોર્ડ મેળવ્યો હતો. તેણીના તાજેતરના પ્રોજેક્ટમાં ચેલ્સિમાં £15 મિલિયનની કિંમતના પ્રોપર્ટી ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે, પરંતુ જે પાછળથી £22 મિલિયનમાં વેચાઈ હતી.
હેરોલ્ડ બેજામીન સોલિસિટર્સના મેનેજિંગ ડિરેક્ટર વિજય પરીખે ઈસ્ટર્ન આઈ લો ફર્મ ઓફ ધ યર માટે એવોર્ડ મેળવ્યો હતો. તેઓ લાડબ્રોક્સ, કેરીંગ ગૃપ, હેડ માસ્ટર્સ અને બેલેન્સીઆગા સહિતની હાઈ-પ્રોફાઈલ રિટેલ બ્રાન્ડ્સ વતી કાર્ય કરે છે.
તેમના તાજેતરના પ્રોજેક્ટ્સમાં ડબલિન હોટલ માટે €70 મિલિયનનું પુનર્ધિરાણ અને સ્લોન સ્ટ્રીટમાં બે અલગ-અલગ ટ્રાન્જેક્શન પર ફેશન હાઉસ ગૂચી અને યવેસ સેન્ટ લોરેન્ટ માટે કામ કરવાનો સમાવેશ થાય છે.
ઈસ્ટર્ન આઈ પ્લાનર ઑફ ધ યર એવોર્ડ માટે પ્લાનિંગ પરમિશન કેટલી જટિલ હોઈ શકે છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથેવો પ્રોફેશનલ સહકાર કેટલો મૂલ્યવાન અને મદદરૂપ બને છે તેની માહિતી આપે છે. ઈસ્ટર્ન આઈ પ્લાનર ઑફ ધ યર એવોર્ડ લંડન બરો ઓફ બ્રેન્ટના કિરણ ચૌહાણે મેળવ્યો હતો. ચૌહાણ છેલ્લા બે વર્ષથી નોર્થ વેસ્ટ લંડનમાં હાલની એસ્ટેટના મિક્સ યુઝ્ડના રીજનરેશન, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટેન્સીફિકેશનના વિકાસમાં અગ્રણી છે. આ યોજનામાં ઓછામાં ઓછા 2,200 નવા ઘરોના કો-લોકેશનનો સમાવેશ થાય છે.
યુરોપના સૌથી મોટું હોસ્પિટાલિટી જૂથ અને વૈશ્વિક સ્તરે છઠ્ઠા સૌથી મોટા વેલેસ્કો ગ્રુપને પેરિસમાં આઇકોનિક સિક્વાના ટાવરના €460 મિલિયનના સંપાદન માટે ઇસ્ટર્ન આઇ પ્રોપર્ટી ડીલ ઓફ ધ યર એવોર્ડ અપાયો હતો. સિક્વાના ટાવર તેના વૈશ્વિક હેડક્વાર્ટર તરીકે સેવા આપે છે. વેલેસ્કો ગ્રુપના સ્થાપક અને સીઈઓ શિરાઝ જીવાએ આ એવોર્ડ સ્વિકાર્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ, કંપનીએ એશિયામાંથી સાર્વભૌમ અને સંસ્થાકીય મૂડીના પીઠબળ સાથે માત્ર પાંચ વર્ષમાં €2.5 બિલિયનનો પાન-યુરોપિયન પોર્ટફોલિયો મેળવ્યો છે – જે આવી યુવા કંપની માટે અભૂતપૂર્વ છે.
ઈસ્ટર્ન આઈ પ્રોપર્ટી ટેક્નોલોજી કંપની ઓફ ધ યર ઈકોલિબ્રિયમને અપાયો હતો. આ એક એવી કંપની છે જે ડેકાર્બોનાઇઝેશનની મુસાફરી શરૂ કરતી સંસ્થાઓને ડેટા-આધારિત સોલ્યુશન્સ દ્વારા પાયોનિયરિંગ સસ્ટેનેબિલિટી ટેક પૂરી પાડે છે.
માર્કેટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સને ઇસ્ટર્ન આઇ સ્પેશિયાલિસ્ટ લેન્ડર એવોર્ડ જીત્યો હતો. તે બેસ્પોક ઉત્પાદનોની શ્રેણી ઓફર કરે છે, જેમાં ત્રણ દિવસમાં £50 મિલિયન જેટલી મોટી લોન આપવાનો સમાવેશ થાય છે.
અવર મોર્ટગેજ બ્રોકર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અખિલ મેરને ઈસ્ટર્ન આઈ બેસ્ટ મોર્ટગેજ બ્રોકર એવોર્ડ મળ્યો હતો.
બીબીસી પ્રસ્તુતકર્તા નિહાલ અર્થનાયકે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ એવોર્ડ્ઝ સમારોહએ ચેરિટી LEPRA માટે જાગૃતિ લાવવા અને ખૂબ જ જરૂરી ભંડોળ વધારવામાં પણ મદદ કરી હતી. લેપ્રાનું વિઝન રક્તપિત્તને કારણે કલંક અને અપંગતાથી વિશ્વને મુક્ત કરવાનું છે. ઉપસ્થિત મહેમાનોએ ભારત અને બાંગ્લાદેશમાં LEPRA પ્રોજેક્ટ્સ માટે ઉદારતાથી દાન આપ્યું હતું.
ઈસ્ટર્ન આઈ પ્રોપર્ટી એવોર્ડ્સ એશિયન મીડિયા ગ્રુપ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે, જે ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાત સમાચાર સાપ્તાહિકો તેમજ એશિયન રિચ લિસ્ટ અને GG2 પાવર લિસ્ટ પ્રકાશિત કરે છે.