કેનેડાની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન માર્ક કાર્નીની લિબરલ્સ પાર્ટી સત્તા જાળવી રાખવામાં સફળ થઈ છે, પરંતુ બહુમતી સરકાર મેળવવામાં નિષ્ફળ રહી છે. ખાલિસ્તાન તરફી નેતા તરીકે જાણીતા ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના વડા જગમીત સિંહે પોતાની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ ગયાં હતાં અને તેમણે પાર્ટીના વડા તરીકે રાજીનામું આપ્યું હતું.
ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા ચૂંટણી લડી જગમીત સિંહેનો બ્રિટિશ કોલંબિયામાં બર્નાબી સેન્ટ્રલ બેઠક પર લિબરલ ઉમેદવાર સામે પરાજય થયો હતો. તેમને લગભગ 27.3 ટકા મત મળ્યાં હતાં, જ્યારે તેમના હરીફ વેડ ચાંગને 40 ટકાથી વધુ મત મળ્યાં હતાં. તેમના પક્ષનું પણ મોટું ધોવાણ થયું હતું અને તે પોતાનો રાષ્ટ્રીય દરજ્જો ગુમાવશે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જાળવવા માટે ઓછામાં ઓછી 12 બેઠકો જરૂરી છે.
ચૂંટણીના રિઝલ્ટ પછી X પરની એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે મને ખબર છે કે આ રાત ન્યૂ ડેમોક્રેટ્સ માટે નિરાશાજનક બની છે. પરંતુ જ્યારે આપણે એવા લોકો પર વિશ્વાસ કરીએ છીએ જે આપણને કહે છે કે આપણે ક્યારેય સારા કેનેડાનું સ્વપ્ન જોઈ શકતા નથી, ત્યારે આપણે ફક્ત ત્યારે જ હાર અનુભવીએ છીએ.
