Labour leader Jeremy Corbyn (Photo by Anthony Devlin/Getty Images)

ગાઝા પર ઇઝરાયેલના આક્રમણ અને યુધ્ધ વિરામ બાબતે લેબર પાર્ટીના અભિગમને પગલે સામાન્ય ચૂંટણીમાં લેબરને મુસ્લિમોની વધુ વસ્તી ધરાવતા વિસતારોમાં નુકશાન થયું હતું અને પેલેસ્ટાઈન તરફી પ્રચાર કરી રહેલા અપક્ષ ઉમેદવારો સામે લેબર નેતાઓની હાર થઇ હતી. લેબરે ઓછામાં ઓછી ચાર બેઠકો પેલેસ્ટાઈન તરફી અપક્ષ ઉમેદવારો સામે ગુમાવી હતી. લેબર ફ્રન્ટ બેન્ચર જોનાથન એશવર્થ લેસ્ટર સાઉથમાં અપક્ષ ઉમેદવાર શોકત આદમ સામે હારી જતા રાજકીય વર્તુળોમાં ફડક પેસી ગઇ છે.

સર કેર સ્ટાર્મરને તેમના હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ મતવિસ્તારના મતદાન મથક પર અને મત ગણતરી વખતે “ફ્રી પેલેસ્ટાઇન”ના નારા લગાવી ધક્કે ચઢાવાયા હતા.

શેડો પેમાસ્ટર જનરલ તરીકે લેબરના મોટા ગજાના નેતા કહેવાતા પૂર્વ એમપી એશવર્થને હરાવનાર શોકત આદમની વેબસાઇટ પર જણાવાયું હતું કે “હું લેસ્ટરના વૈશ્વિક શાંતિ અને ન્યાયના મૂલ્યોને ચેમ્પિયન કરીશ, જેની વર્તમાન સરકાર દ્વારા અવગણના કરવામાં આવી છે. અમારા મતવિસ્તારના સાંસદ (એશવર્થ) ગાઝામાં રક્તપાતને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ માટે મત આપવાનો ઇનકાર કર્યો, પરિણામે હજારો નિર્દોષ નાગરિકોના બિનજરૂરી મૃત્યુ થયા.’’

ડ્યૂઝબરી અને બેટલીમાં, અપક્ષ ઉમેદવાર ઈકબાલ મોહમ્મદે લેબર ઉમેદવાર હિથર ઈકબાલને હરાવ્યા હતા. ઈકબાલ મોહમ્મદના મુખ્ય મુદ્દાઓમાં ગાઝામાં યુદ્ધવિરામ અને શાંતિ કરારનો સમાવેશ થાય છે.

બ્લેકબર્નમાં, લેબરના કેટ હોલર્નને અપક્ષ ઉમેદવાર અદનાન હુસૈને હરાવ્યા હતા. હુસૈને તેમના ઓનલાઈન નિવેદનમાં કહ્યું હતું કે “હું વચન આપું છું કે ગાઝાના લોકો સામે થઈ રહેલા અન્યાય સામે તમારી ચિંતાઓને સાંભળવામાં આવશે જ્યાં આપણા કહેવાતા પ્રતિનિધિઓ નિષ્ફળ ગયા છે.”

પેલેસ્ટાઈન તરફી અવાજ ધરાવતા અને પેલેસ્ટિનિયન પ્રદેશો પરના ઇઝરાયેલના કબજાને સમાપ્ત કરવાની માંગણી કરતા ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીન લેબરમાંથી હકાલપટ્ટી થયા બાદ અપક્ષ તરીકે લાંબા સમયથી જીતતા હતા તે  લંડનમાં ઈસ્લિંગ્ટન નોર્થની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને લેબર હરીફને 7,000થી વધુ મતોથી હરાવ્યા હતા.

લેબરના જેસ ફિલિપ્સ 11,275 વોટ મેળવી પોતાની સીટ પર કબજો જમાવવામાં સફળ રહ્યા હતા પણ સામે વર્કર્સ પાર્ટીના ઉમેદવાર જોડી મેકઇન્ટાયરે 10,582 વોટ મેળવ્યા હતા.

લેબરના પોલ વોએ વર્કર્સ પાર્ટીના નેતા જ્યોર્જ ગેલોવે પાસેથી રોશડેલની સીટ આંચકી લીધી હતી. ગાઝા યુદ્ધના દ્વારા પ્રભુત્વ ધરાવતી પેટાચૂંટણીમાં ગેલોવે જીત્યા હતા.  પેલેસ્ટાઇન એ ગેલોવેની રાજકીય કારકિર્દીની મુખ્ય થીમ રહી છે.

લંડનના ચિંગફર્ડ અને વૂડફર્ડ ગ્રીન બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડનાર પેલેસ્ટાઇન સમર્થક અને સોસ્યલ મિડીયા પરની પોસ્ટ્સના કારણે કથિત રૂપે સેમિટિઝમના આરોપોને સામનો કરનાર ફૈઝા શાહીને ટોરી નેતા સર ઈયાન ડંકન સ્મિથ સામે હારી ગયા હતા. તેણીનો આરોપ છે કે લેબર ને તેમના મત વહેંચાતા સ્મિથ જીત્યા હતા.

ગાઝા સંઘર્ષ પર સર કેરનો અભિગમ તેમના પક્ષમાં કેટલાક લોકોની અસ્વસ્થતાનું કારણ બન્યો હતો. ગાઝા યુધ્ધમાં તાત્કાલિક યુદ્ધવિરામ માટેની નાંગણી નહિં કરવા માટે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જો કે ઘોષણાપત્રમાં, લેબર પાર્ટી પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવા માટે પ્રતિબદ્ધ છે. લેબર પાર્ટીને અગાઉના કેટલાક સુરક્ષિત વિસ્તારોમાં, ખાસ કરીને મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક ચૂંટણીઓમાં ગાઝા યુધ્ધને કારણે આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY