કોંગ્રેસે મંગળવારે જાહેરાત કરી હતી કે તેના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 13 નવેમ્બરે કેરળની વાયનાડ લોકસભા બેઠકની યોજાનારી પેટાચૂંટણી પાર્ટીના ઉમેદવાર હશે. આની સાથે સક્રિય રાજકારણમાં જોડાયા પછી પ્રિયંકા ગાંધી પ્રથમ વાર ચૂંટણી લડશે. જો ચૂંટાશે તો આ પ્રથમ વખત હશે જ્યારે પ્રિયંકા ગાંધી સાંસદ તરીકે સંસદમાં પ્રવેશ કરશે. ગાંધી પરિવારના ત્રણ સભ્યો સોનિયા, રાહુલ અને પ્રિયંકા એકસાથે સંસદમાં હોય તેવું પ્રથમ વખત બનશે.
પાર્ટીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રિયંકા ગાંધી વાડ્રાને કેરળની લોકસભા પેટાચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રાખવાની દરખાસ્તને મંજૂરી આપી છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી એમ બંને બેઠકો પર લોકસભાની ચૂંટણી જીત્યા હતાં અને તેમણે વાયનાડ બેઠક ખાલી કરી હતી.
લોકસભા ચૂંટણીના દિવસો પછી, કોંગ્રેસે જૂનમાં જ જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી સંસદીય ક્ષેત્ર જાળવી રાખશે અને કેરળની વાયનાડ બેઠક ખાલી કરશે, જ્યાંથી તેમની બહેન પ્રિયંકા ગાંધી ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કરશે.
2019માં સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા ત્યારથી બાવન વર્ષીય પ્રિયંકા ગાંધીને વારંવાર વારાણસીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત ચેલેન્જર તરીકે અને રાયબરેલીના કૌટુંબિક ગઢમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધીના અનુગામી તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
