Photo taken in Bogotá, Colombia

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આવેલી જેલોમાં કેદાઓની ભીડને ઘટાડવા માટે રચાયેલ સરકારી યોજનાના ભાગરૂપે 1,750થી વધુ ગુનેગારોને તા. 10ના રોજ જેલમાંથી વહેલા છોડી દેવાશે. જ્યારે 1,000 કેદીઓને એક અઠવાડિયામાં મુક્ત કરવામાં આવનાર છે.

આ માટેની વિચારણા સરકારી અધિકારીઓ દ્વારા કન્ઝર્વેટિવ પક્ષ સત્તામાં હતો ત્યારથી કરવામાં આવી રહી હતી પરંતુ જુલાઈમાં સામાન્ય ચૂંટણી જીતીને આવનાર લેબર સરકારે તેને અમલમાં મૂકી હતી.

સરકાર મોટેભાગે દરેક કેદીઓને 50 ટકા જેલ સજા પૂરી કર્યા બાદ છોડે છે. પરંતુ 5,500 કેદીઓના બેડ ખાલી કરવા માંગતી સરકાર હવે તે નિયમને બદલીને જેમણે તેમની સજાના 40 ટકા પૂર્ણ કરી હોય તેમને મુક્ત કરનાર છે. જો કે જે લોકો સેક્સને લગતા ગુનાઓ, આતંકવાદ, ઘરેલું દુર્વ્યવહાર અથવા કેટલાક હિંસક અપરાધો માટે દોષિત ઠર્યા હશે તેમને આ રાહત આપવામાં આવશે નહીં.

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં જેલોના કેદીઓની વસ્તી ગયા અઠવાડિયે 88,521 પર પહોંચી હતી જે હાલમાં તેની સૌથી ટોચ પર છે. વડા પ્રધાન કેર સ્ટાર્મરે પરિસ્થિતિ “કટોકટી બિંદુ” પર હોવાનું જણાવ્યું છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સ માટેના વિક્ટીમ કમિશનર બેરોનેસ હેલેન ન્યુલોવે એક નિવેદનમાં કહ્યું છે કેદીના ગુનાનો ભોગ બનનાર દરેક પીડિતને તેમના અપરાધીઓની વહેલી મુક્તિ વિશે જણાવવામાં આવ્યું નથી. તેમણે ખાતરી માંગી હતી કે “તમામ અસરગ્રસ્ત પીડિતોને” આ યોજના સાથે વહેલી રિલીઝ તારીખો વિશે જાણ કરવામાં આવશે. આપણી ન્યાય પ્રણાલીમાં પીડિતોના વિશ્વાસ પર આ અંગેની અસર વિશે હું ચિંતિત છું અને પીડિતોની સલામતી તે સંપૂર્ણ પ્રાથમિકતા રહેવી જોઈએ.”

જેલોમાં ભરાવાનું એક કારણ ઈંગ્લેન્ડ અને વેલ્સની ક્રાઉન કોર્ટ દ્વારા આપવામાં આવતી વધુ આકરી સજા છે. વધુ ગંભીર ગુનાઓ માટે 2012ની તુલનામાં 2023માં કરવામાં આવેલી સરેરાશ જેલની સજા 25% કરતાં વધુ લાંબી હતી. ઉદાહરણ તરીકે, 2012ની સરખામણીએ 2023માં લૂંટની સજા સરેરાશ 13 મહિના લાંબી હતી, જેમાં 36%નો વધારો થયો છે.

બીજી તરફ રિમાન્ડ પરના કેદીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ વર્ષે માર્ચમાં રિમાન્ડ હેઠળના કેદોની વસ્તી 16,458 હતી, જે 2016માં લગભગ 10,000 હતી. કેટલોક વધારો ક્રાઉન કોર્ટના રેકોર્ડ સંખ્યામાં કેસોની સુનાવણીની રાહ જોતા અપરાઘીઓને કારણે થયો છે.

LEAVE A REPLY