વીસેક વર્ષ અગાઉ સાઉથ આફ્રિકામાં પોતાની માતા પ્રિન્સેસ ડાયનાના સન્માનમાં સ્થપાયેલી ચેરિટીના મેન્ટર પદેથી પ્રિન્સ હેરીએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે. તેમણે બોર્ડરૂમમાં વિવાદના પગલે આ પદ છોડ્યું હતું. પ્રિન્સ હેરીએ 2006માં લેસોથોના પ્રિન્સ સીસો સાથે મળીને સાઉથ આફ્રિકા અને પછી બોત્સ્વાનામાં એચઆઇવી અને એઇડ્સથી પીડાતા યુવાનોને મદદ કરવા માટે ચેરિટી- સેન્ટેબેલની સ્થાપના કરી હતી. યુકેમાં નોંધાયેલી આ ચેરિટીના ટ્રસ્ટીઓ અને 2023માં નિયુક્ત થયેલા બોર્ડનાં ચેરમેન સોફી ચંડૌકા વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ પછી પ્રિન્સ હેરી અને સીસોએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો અને તાજેતરમાં એક સંયુક્ત નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, “બગડેલા સંબંધો સુધરી શકે તેમ નથી. જે કંઇ થયું હતું કે તે અકલ્પ્ય છે. અમે આઘાતમાં છીએ કે અમારે આવું કરવું પડશે, પરંતુ સેન્ટેબેલના લાભાર્થીઓ પ્રત્યેની અમારી જવાબદારી જાળવીશું.” અગાઉ ઘણા ટ્રસ્ટીઓ સંસ્થામાંથી નીકળી ગયા હતા અને તેમણે ચંડૌકાના રાજીનામા માટે વિનંતી કરી હતી. આ વિવાદ પાછળનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સોફી ચંડૌકાએ કહ્યું કે ચેરિટી વિશે ગંભીર ચિંતા વ્યક્ત કર્યા પછી તેમને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે.
