August 4, 2024. REUTERS/Stringer

દેશભરમાં રવિવાર, 4 ઓગસ્ટથી ચાલુ થયેલા હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને રાજધાની ઢાકા છોડી દીધું છે, એમ એક નેતાને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. શેખ હસીના ભારતીય શહેર અગરતલા તરફ જવા માટે હેલિકોપ્ટરમાં બેઠા હોવાનો બીબીસીએ અહેવાલ આપ્યો હતો. જોકે, તેમના ઢાકા છોડવા અને રાજીનામા આપવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે શેખ હસીના અને તેમની બહેન ગણભવન (વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન) છોડીને સુરક્ષિત સ્થળે ગયા છે. તેઓ એક ભાષણ રેકોર્ડ કરવા માંગતાં હતાં, પરંતુ આવું કરવાની તક મળી ન હતી.

સેંકડો હજારો વિરોધીઓએ કર્ફ્યુનો ભંગ કર્યો હતો અને રાજધાનીની શેરીઓમાં કૂચ કરી હતી. દેખાવકારો વડાપ્રધાનના મહેલ પર પણ હુમલો કર્યો હતો. વિઝ્યુઅલમાં ઢાકામાં વડાપ્રધાનના અધિકૃત નિવાસસ્થાનમાં ટોળાં દોડી આવતાં દેખાય છે, તેઓ ઉજવણી કરી રહ્યા હતાં. ઢાકામાં બખ્તરબંધ વાહનો સાથેના સૈનિકો અને પોલીસે  હસીનાની ઓફિસ તરફ જવાના માર્ગોને કાંટાળા તાર વડે બેરિકેડ કરી દીધા હતાં, પરંતુ વિશાળ ટોળાએ અવરોધો તોડી નાંખ્યાં હતા.

રવિવારે ભીષણ અથડામણમાં 98 લોકો માર્યા ગયા પછી બાંગ્લાદેશના આર્મી ચીફ વકર-ઉઝ-ઝમાન રાષ્ટ્રને સંબોધિત કરવાના હતા ત્યારે આ ગતિવિધિ જોવા મળી હતી. જુલાઇએથી ચાલુ થયેલી હિંસામાં અત્યાર સુધી 300થી વધુ લોકોના મોત થયા છે. અગાઉ ક્વોટા સિસ્ટમ વિરોધી હિંસામાં 200ના મોત થયા હતાં. રવિવારે શેખ હસીનાના રાજીનામાની માગણી સાથે હિંસક તોફાનો ચાલુ થયા હતા. 76 વર્ષીય શેખ હસીના છેલ્લાં 15 વર્ષથી બાંગ્લાદેશમાં શાસન કરે છે.

બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની 76 વર્ષીય પુત્રી હસીના 2009 થી વ્યૂહાત્મક રીતે મહત્ત્વના દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર પર શાસન કરી રહ્યાં હતા.તેઓ જાન્યુઆરીમાં યોજાયેલી 12મી સામાન્ય ચૂંટણીમાં સતત ચોથી વખત અને એકંદરે પાંચમી મુદત માટે ચૂંટાઈ આવ્યાં હતાં. ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા અને તેના સાથીઓની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

 

LEAVE A REPLY