વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બુધવારે ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે યોગ કર્યા હતા તેની ફાઇલ તસવીર. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને શ્રીનગરમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. કાશ્મીરમાં પ્રસિદ્ધ દાલ સરોવરના કિનારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે વિવિધ વર્ગના 7,000થી વધુ લોકો વડાપ્રધાન મોદી સાથે જોડાશે. મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ પછીથી મોદી જાણીતા સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરતા આવ્યાં છે.

વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદી 20 અને 21 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી 20 જૂને સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે ‘એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K’ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અહીં વડાપ્રધાન હાજરી સમગ્ર કાશ્મીર ખીણ માટે સન્માનની બાબત છે. તેઓ દાલ સરોવરના કિનારે 7,000થી વધુ લોકો સાથે યોગ કરશે. વડાપ્રધાનનું જમ્મુ અને કાશ્મીર સાથે વિશેષ જોડાણ છે, જેના કારણે તેમણે શ્રીનગરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું પસંદ કર્યું છે.

 

LEAVE A REPLY