વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024ના રોજ 74 વર્ષના થયા હતા મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે ભાજપ સહિત રાજકીય પક્ષોના નેતાઓ અને અન્ય નામી વ્યક્તિઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. મોદીને વિદેશથી પણ જન્મદિવસની શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યા હતા.આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદીને અભિનંદન પાઠવ્યા અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.
મોદીએ તેમનો મોટાભાગનો દિવસ ઓડિશામાં વિતાવ્યો હતો જે દરમિયાન તેમણે રાજ્ય સરકારની મુખ્ય મહિલાકેન્દ્રિત સ્કીમ સુભદ્રા યોજના ઉપરાંત રેલ્વે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા.
ભુવનેશ્વરમાં એક કાર્યક્રમમાં બોલતા મોદીએ યાદ કર્યું હતું કે મારી માતા જીવિત હતા, ત્યારે હું હંમેશા મારા જન્મદિવસે તેમના આશીર્વાદ લેવા માટે તેમની પાસે જતો. મારી માતા મને હાથથી ગોળ ખવડાવતી હતી. માતા હવે જીવિત નથી, પરંતુ મારી આદિવાસી માતાએ મને ખીર ખવડાવી અને મને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. અહીં આવતા પહેલા, હું એક આદિવાસી પરિવારના ઘરે તેમના ગૃહપ્રવેશ કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો…તે પરિવારની મારી બહેને મને ખાવા માટે ખીર આપી હતી. અને હું તે ખીર ખાતો હતો ત્યારે મને મારી માતાની યાદ આવે તે સ્વાભાવિક હતું.
રાષ્ટ્રપતિ મુર્મુએ માઇક્રો બ્લોગિંગ સાઈટ ‘X’ પર જણાવ્યું હતું કે ‘વડાપ્રધાનને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તમારા વ્યક્તિત્વ અને કાર્યના બળ પર તમે અસાધારણ નેતૃત્વ પ્રદાન કર્યું છે અને દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે.હું ઈચ્છું છું કે રાષ્ટ્રની ભાવનાથી તમારા દ્વારા કરવામાં આવી રહેલા નવતર પ્રયાસો પહેલા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો માર્ગ મોકળો કરે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે લાંબુ જીવો અને હંમેશા સ્વસ્થ અને ખુશ રહો.
રજનીકાંત, અક્ષય કુમાર અને ચિરંજીવી સહિત સિનેમા હસ્તીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના અથાક કાર્ય, ખંત અને દૂરંદેશી દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે અને વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારી છે.વડા પ્રધાને તેમના દાયકાઓ સુધીના જાહેર જીવનમાં રાષ્ટ્ર માટે બલિદાન અને સમર્પણના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.