પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા 21 મહિનાથી હિંસાનું વાતાવરણ હતું. અંતે રાજ્યમાં વિધાનસભાનું વિસર્જન કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે ગત સપ્તાહે સત્તા પરથી રાજીનામું આપ્યા પછી સ્થાનિક રાજકીય અનિશ્ચિતતાનો આ સાથે અંત આવ્યો છે. મણિપુરની હિંસામાં 250થી વધુ વ્યક્તિનાં સત્તાવાર મોત થયા છે. ભાજપ શાસિત મણિપુરમાં વિધાનસભાની મુદત 2027માં પૂરી થતી હતી, પરંતુ રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપેલા અહેવાલ બાદ કેન્દ્રના ગૃહમંત્રાલયે રાષ્ટ્રપતિ શાસન જાહેર કર્યું હતું.

મણિપુરમાં લાંબા સમયથી મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસક અથડામણો ચાલી રહી છે. મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે સરકારી હથિયારોના ભંડાર લૂંટવા માટે મેઈતેઈ ઉગ્રવાદીઓને સહાય કરી હોવાનો ઓડિયો બહાર આવ્યો હતો. વિવાદના પગલે તેમને દિલ્હી બોલાવાયા હતા અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત બાદ 9 ફેબ્રુઆરીએ તેમણે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. ભાજપ દ્વારા નવા મુખ્ય પ્રધાનની જાહેરાત થાય છે કે, રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે તે અંગે કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી.

રાજ્યપાલે રીપોર્ટમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિને જોતાં રાજ્યમાં બંધારણ મુજબ રાજ્ય સરકાર ચાલી શકે તેમ નથી. બંધારણની કલમ 356માં રાજ્યપાલને મળેલી સત્તા અન્વયે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લદાવું જોઈએ અને તમામ સત્તા રાજ્યપાલને સુપરત થવી જોઈએ.

LEAVE A REPLY