પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વન નેશન, વન ઇલેક્શનની જોરદાર તરફેણ કરી હતી તથા ખેડૂતોના યોગદાન, આર્થિક પ્રગતિ અને 75 વર્ષમાં દેશે હાંસલ કરેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.
મુર્મૂએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવીને જણાવ્યું હતું કે આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. બંધારણ ભારતીયોના રૂપમાં આપણી સામૂહિક ઓળખનો આધાર પ્રદાન કરે છે અને બંધારણ આપણને એક પરિવારની જેમ જોડે છે.
રાષ્ટ્રપતિના સંબોધનમાં તમામ નાગરિકો માટે સમાનતાપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્ય માટેનું વિઝન ઉભું કરીને દેશમાં સર્વસમાવેશક વૃદ્ધિ માટેની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મુકાયો હતો.
બ્રિટિશ રાજ માનસિકતાને દૂર કરવા માટેના સરકારના પગલાંનો ઉલ્લેખ કરી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે બ્રિટિશ યુગના ફોજદારી કાયદાઓની જગ્યાએ ત્રણ નવા આધુનિક કાયદાઓનો અમલ કરાયો છે. આપણે આ માનસિકતાને બદલવા માટેના સંકલિત પ્રયાસો જોયા છીએ. આવા મોટા સુધારા માટે હિંમતની જરૂર પડે છે.
દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાના સૂચિત બિલના મહત્વ પર ભાર મૂકીને મુર્મુએ નોંધ્યું હતું કે ‘વન નેશન વન ઇલેક્શનના અસંખ્ય લાભો લાભ છે. તેનાથી વહીવટી કાર્યક્ષમતામાં સુધારો થશે અને નાણાકીય બોજમાં ઘટાડો થશે.
છેલ્લા 75 વર્ષમાં હાંસલ કરેલી પ્રગતિનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા સમયે દેશના ઘણા વિસ્તારોમાં અત્યંત ગરીબી અને ભૂખમરો હતો. જોકે આપણે આપણી જાતમાં વિશ્વાસ જાળવી રાખ્યો હતો અને વિકાસ માટેનું વાતાવરણ બનાવ્યું હતું. ભારતનું અર્થતંત્ર હાલમાં વૈશ્વિક આર્થિક ટ્રેન્ડમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ પરિવર્તનના મૂળિયા બંધારણ દ્વારા સ્થાપિત કરાયેલા માળખામાં પડેલા છે.
તાજેતરના વર્ષોના ઉંચા આર્થિક વિકાસદરનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે તેનાથી રોજગારીની તકોનું નિર્માણ થયું છે, ખેડૂતો અને શ્રમિકોની આવકમાં વધારો થયો છે અને ઘણા લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે. મુર્મુએ પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ, રાષ્ટ્રીય ફેલોશિપ તથા પ્રધાનમંત્રી અનુસુચિત જાતિ અભ્યુદય યોજના અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન જેવી સામાજિક-આર્થિક વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.