ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરી, 2025ના રોજ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમસ્થાન પર શરૂ થનાર મહાકુંભમેળાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ મહાકુંભમેળો 13મી જાન્યુઆરીના દિવસે પોષ પૂર્ણિમાથી 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ સુધી ચાલશે.
પ્રયાગરાજમાં ગંગા કિનારે સંગમ પર દર બાર વર્ષે યોજાતા આ મેળા માટે આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે. એવામાં મહાકુંભ પહોંચનારા તમામ શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 45 કરોડથી પણ વધુ લોકો સામેલ થાય તેવી ધારણા છે.
કુંભમેળાનું સ્થળ કુંભનગરી તરીકે ઓળખાય છે. આ મહાકુંભ નગરી વસાવવા માટે 50,000થી વધુ કામદારો દિવસ-રાત એક કરી કામ રહ્યા છે. જ્યાં જરૂરી હોય ત્યાં પુલ બનાવવામાં આવ્યા છે. જ્યાં બ્રિજ બનાવવો શક્ય ન હતો ત્યાં ફોર લેન ટેમ્પરરી સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યા છે. જ્યાં જરૂર પડે ત્યાં રેલવે બ્રિજ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પ્રયાગરાજ તરફ જતા તમામ રસ્તાઓને પહોળા કરીને સુંદર બનાવવામાં આવ્યા છે.
કુંભમેળામાં લાખો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળમાં ડૂબવા માટે ’ત્રિવેણી સંગમ’માં આવે છે. આ આત્માના શુદ્ધિકરણનું પ્રતીક છે અને માનવામાં આવે છે તેમ, મોક્ષ અથવા આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રદાન કરે છે. મહાકુંભ 2025 માટે આવનારા કરોડો ભક્તોને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકાર હવે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર જ ત્રિવેણીસંગમનું પાણી આપશે, જેની જવાબદારી સ્વસહાય જૂથની મહિલાઓને સોંપવામાં આવી છે.
એક અંદાજ મુજબ આ વર્ષે મહાકુંભથી 45 હજાર પરિવારોને રોજગારી મળશે. મહાકુંભમાં 25,000 શ્રમિકોને કામે લગાડવામાં આવ્યા છે.
મહાકુંભ માટે કૌશલ્ય વિકાસ હેઠળ 45 હજાર પરિવારોને તાલીમ આપવામાં આવી છે. રાજ્ય સરકારે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને રહેવા માટે શહેરમાં 2,000થી વધુ પેઇંગ ગેસ્ટ સુવિધાઓ ઉભી કરી છે.
મહાકુંભમાં 2,000થી વધુ પેઇંગ ગેસ્ટ ઉપરાંત રાજ્ય સરકારે કુંભ વિસ્તારમાં શ્રદ્ધાળુઓ માટે 2,000થી વધુ સ્વિસ કોટેજ સ્ટાઇલના ટેન્ટ પણ ઊભા કર્યા છે. આ માટે એક લક્ઝુરિયસ ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી રહી છે. તેનું નિર્માણ ઉત્તર પ્રદેશ રાજ્ય પર્યટન વિકાસ નિગમ લિમિટેડ (UPSTDC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. UPSTDC 6 ભાગીદારો સાથે આ સિટીની સ્થાપના કરી રહ્યું છે. ટેન્ટ સિટીમાં વિવિધ પ્રકારના બ્લોક ઉભા કરવામાં આવી રહ્યા છે. આ બ્લોક્સમાં અગમન, કુંભ કેમ્પ ઇન્ડિયા, ઋષિકુલ કુંભ કુટીર, કુંભ વિલેજ, કુંભ કેનવાસ, કુંભ યુગ વગેરેનો સમાવેશ થાય છે. આ ટેન્ટમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ હેઠળ ફાઈવ સ્ટાર હોટેલ્સની સુવિધા હશે. તે સુપર ડિલક્સ, ટેન્ટ વિલા, મહારાજા, સ્વિસ કોટેજ અને ડોરમિટરી ફોર્મેટમાં ઉપલબ્ધ થશે.
પ્રયાગરાજ શહેરના માર્ગો પરની દિવાલોને રંગવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ અને ભોલે નાથ તેમજ રામાયણ, ગીતા અને મહાકુંભ સમુદ્રમંથન પર આધારિત ચિત્રો દુકાનો પર બનાવવામાં આવી રહ્યા છે. સંગમ નગરીમાં શહેરની દીવાલો મહાકુંભમાં સનાતન ધર્મનો મહિમા વર્ણવતી જોવા મળશે. મહાકુંભ 2025ની શરૂઆત પહેલા 10 લાખ ચોરસ ફૂટમાં રસ્તાની બાજુની દીવાલો પર પેઇન્ટિંગ દ્વારા ધાર્મિક સંસ્કૃતિ તેમજ મહાકુંભના ઇતિહાસનું નિરૂપણ કરવામાં આવશે.
જગતના સૌથી મોટા આ ધાર્મિક મેળામાં શ્રદ્ધાળુંઓ માટે સૌથી મોટુ આકર્ષણ હોય છે ગંગા નદીમાં પવિત્ર સ્નાન, તદુપરાંત મેળામાં આવતા સાધુઓનું તેમને મન વિશેષ મહાત્મ્ય ધરાવે છે. આ સાધુઓ ક્યાંથી આવે છે? તેમની રહેણીકહેણી કેવી છે? અને કુંભ મેળો પૂરો થાય પછી ક્યાં ચાલ્યા જાય છે તે કોઈ જાણતું નથી. કુંભમેળામાં ભારતભરનાં હિંદુધર્મના લગભગ બધા જ સંપ્રદાયનાં સાધુઓ પધારે છે. અને લગભગ સવા મહિનો તેઓ આ મહાકુંભ પર્વમાં વસે છે. આમ ભારતભરનાં સમગ્ર હિંદુ સાધુ સમાજના કોઈ એક જ સ્થાને દર્શન -સત્સંગનો આ અલૌકિક અવસર હોય છે. આ ભવ્ય કાર્યક્રમમાં મોટા પાયે કર્મચારીઓને એકત્ર કરવામાં આવ્યા છે. ભારતીય રેલ્વે સહિત વિવિધ વિભાગોમાં મહાકુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે, ભારતીય રેલ્વેએ રીંગ રેલ રૂટ પર 560 ટ્રેનો સહિત 3,000 વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે.
મહાકુંભમેળાનાં શાહી સ્નાન
પહેલું શાહી સ્નાન 13 જાન્યુઆરી
બીજું શાહી સ્નાન 14 જાન્યુઆરી
ત્રીજું શાહી સ્નાન 29 જાન્યુઆરી
ચોથું શાહી સ્નાન 2 ફેબ્રુઆરી
પાંચમું શાહી સ્નાન 26 ફેબ્રુઆરી