ભૂતપૂર્વ હોમ સેક્રેટરી અને ભારતીય સંસદ સભ્ય પ્રીતિ પટેલ વિથામ, એસેક્સની સીટ આરામદાયક માર્જિનથી જીત્યા પછી હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષી નેતા તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાં જોડાય તેવી શક્યતા છે.

કારમી હાર બાદ સુનકે રાજીનામાની જાહેરાતમાં કહ્યું હતું કે બેકબેન્ચ ટોરીની શક્તિશાળી 1922 સમિતિ દ્વારા તેમના અનુગામીની ચૂંટણી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ વચગાળાના વિપક્ષી નેતા તરીકે બુધવારે સંસદના સ્ટેટ ઓપનીંગમાં હાજરી આપશે.

52 વર્ષીય એમપી પ્રીતિ પટેલ લો પ્રોફાઇલ રહ્યા છે. પાછલા અઠવાડિયાઓમાં પક્ષના સાથીઓએ તેણીને ચૂંટણી લડવા માટે વિનંતી કરી છે. કેટલાક હાઇ પ્રોફાઇલ કન્ઝર્વેટિવ દાતાઓ સહિત મુખ્ય સાંસદો, સમર્થકો અને પ્રચાર સ્ટાફે પણ તેણીને ટેકો આપ્યો છે.  તેણીએ આ માટે એક ટીમ પણ બનાવી છે.

તેમણે જૉન્સન અને કેમરનના નેતૃત્વ દરમિયાન ભૂતકાળમાં પક્ષને નાણાં આપ્યા હોય તેવા ઘણા હાઇ-પ્રોફાઇલ દાતાઓનો પણ સંપર્ક કર્યો હોવાનું મનાય છે. જો તેઓ હરિફાઇમાં જોડાશે તો તેમણે ભારતીય મૂળના સાથી સુએલા બ્રેવરમેન, ટોમ ટૂગન્ધાટ અને રોબર્ટ જેનરિક સહિત અન્ય ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ સામે સ્પર્ધાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. અત્યાર સુધીની રેસમાં અગ્રેસર તરીકે શેડો મિનિસ્ટર કેમી બેડેનોકની ગણના થાય છે.

1922 કમિટીના અધ્યક્ષ બોબ બ્લેકમેને આગામી અઠવાડિયામાં નેતૃત્વ સ્પર્ધા માટે માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપશે તેમ જણાવ્યું છે.

પ્રિતિ પટેલના માતા-પિતા મૂળ આણંદ જીલ્લાના તારાપુરના વતની છે અને યુગાન્ડાથી યુકે આવી વસ્યા હતા. થેરેસા મે અને બોરિસ જૉન્સનની સરકારમાં વિવિધ પદો પર સેવા આપી હતી.

LEAVE A REPLY