ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવાર, 6 ઓક્ટોબરે મળેલી કેબિનેટની બેઠકમાં 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારના ધોરણે નિયુક્ત થયેલા 60,000થી વધુ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને અન્ય લાભો આપવાનો નિર્ણય કર્યો હતો.
કેબિનેટના નિર્ણયની જાહેરાત કરતા સરકારના પ્રવક્તા પ્રધાન રૂષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન દ્વારા રચાયેલ કેબિનેટની સમિતિએ કર્મચારી સંઘના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી, જે પછી ઘણા કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું સૌહાર્દપૂર્ણ રીતે નિરાકરણ કરવામાં આવ્યું હતું. પહેલી એપ્રિલ , 2005 પહેલા ફિક્સ પગાર પર નિયુક્ત કરાયેલા કર્મચારીઓ, નિમણૂકની શરતો અને તેમના દ્વારા લેખિત બાંયધરી અનુસાર નિવૃત્તિ અને અન્ય લાભો માટે પાત્ર ન હતા. આમ છતાં, રાજ્ય સરકારે આવા 60,000થી વધુ કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને અન્ય લાભો આપવા માટે સૈદ્ધાંતિક રીતે સંમતિ આપી છે. આ નિર્ણયથી સરકારી તિજોરીને રૂ.200 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ, ટ્રાવેલ ભથ્થાં અને દૈનિક ભથ્થાના દરોમાં સુધારો કરવાની રજૂઆતો પણ રાજ્ય સરકારે સ્વીકારી છે. ચાર્જ એલાઉન્સ હાલના 5% કે 10%ની જગ્યાએ સાતમા પગાર પંચ મુજબ અપાશે. તેમજ, વયનિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવશે.
