નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ NAPS સહિત વિવિધ સંસ્થાઓમાં છેલ્લા 50 કરતા વધુ વર્ષોથી સેવા આપતા અને રોયલ બરો ઓફ કિંગ્સટન અપોન થેમ્સના નિવૃત્ત હાઇવે ડિઝાઇન મેનેજર પ્રવિણકાંત નંદુભાઈ અમીનનું 2જી સપ્ટેમ્બરે રાત્રે 8:10 વાગ્યે 82 વર્ષની વયે શાંતિપૂર્વ નિધન થયું છે. તેમનું બેસણું અને અંતિમ સંસ્કાર અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
તેઓ પોતાની પાછળ પત્ની જનકબેન અમીન, પુત્રીઓ સુજાતા પટેલ, કવિતા પટેલ અને ચિરાગ અમીનને વિલાપ કરતા મૂકી ગયા છે. પરિવારે શોકના સમયગાળા દરમિયાન ઘરની મુલાકાત નહિં લેવા વિનંતી કરી છે.
પ્રવિણ અમીનના નામે જાણીતા પ્રવિણભાઇ બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયના એક મહેનતું અને સક્રિય સામાજીક અગ્રણી હતા. તેમણે સમગ્ર જીવન દરમિયાન વિવિધ સામાજીક સંસ્થાઓ અને કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કેન્યામાં ભારતીય માતાપિતાને ત્યાં જન્મેલા પ્રવિણભાઇએ સ્નાતક સિવિલ એન્જિનિયર તરીકે ઈંગ્લેન્ડ ગયા હતા. 1974માં તેમણે ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર તરીકેની લાયકાત મેળવી હતી.
છેલ્લા પાંચ દાયકાઓમાં પ્રવિણભાઇ અમીને યુ.કે.માં વિવિધ સંસ્થાઓ દ્વારા સમુદાયની સેવાઓ કરી હતી. તેમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, આશ્રમ લેમ્બેથ એશિયન એલ્ડરલી ડે સેન્ટર તથા વસો નાગરિક મંડળ (યુ.કે.)ના પ્રમુખ તરીકે, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના કોમ્યુનિટી લાયેઝન તથા કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશનના ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવાઓ આપી હતી.
તેઓ 2015થી દર વર્ષે ટેવિસ્ટોક સ્ક્વેરથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધીની વાર્ષિક મહાત્મા ગાંધી પદયાત્રાના મુખ્ય આયોજક હતા.
તેમણે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (U.K.)ના પ્રમુખ તરીકે (1986 – 2013); નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (U.K.)ના પ્રમુખ તરીકે; ભારતીય વિદ્યા ભવનની વિશેષ પ્રોજેક્ટ સમિતિના સેક્રેટરી તરીકે, શ્રી વલ્લભ નિધિના સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.
તેમના અણધાર્યા અવસાનની યુકેના સમાજને વ્યાપક ખોટ પડશે.
તેમની અંતિમ વિધિ શનિવાર 7મી સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 11:45 કલાકે ક્રોયડન ક્રિમેટોરિયમ, મિચમ રોડ, CR9 3AT ખાતે સંપન્ન થશે. અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અસમર્થ લોકો https://watch.obitus.com/ ઉપર યુઝર નેમ : cowul596 અને PIN: 651890 દાખલ કરી ભાગ લઇ શકશે.