બ્રિટનના સૌથી મોટા નાદાર ઉદ્યોગપતિ 68 વર્ષીય પ્રમોદ મિત્તલે તેમના બિઝનેસીસના લેણદારોને દેવાના નાણાંને ચૂકવવાને બદલે ગુપ્ત રીતે તેમના પત્ની અને બાળકોને £63 મિલિયન ચૂકવ્યા હોવાનો આરોપ મૂકાઇ રહ્યો છે.

પ્રમોદ મિત્તલે પુત્રી શ્રૃષ્ટિના બાર્સેલોનામાં યોજાયેલા લગ્નમાં લગભગ £50 મિલિયન વાપર્યા હતા અને 2023માં યોજાયેલા તેમના પુત્ર દિવ્યેશના જેક પ્રાયર સાથેના ભવ્ય લગ્નને ‘ફર્સ્ટ બિગ ફેટ ઇન્ડિયન ગે વેડિંગ’ કહેવાયું હતું.

ત્રણ વર્ષ પહેલાં પ્રમોદ મિત્તલે નાદાર હોવાનો દાવો કરી પોતાના પર કુલ £2.7 બિલિયનનું દેવું હતું તેવી જાહેરાત કરાઇ હતી. તેમની એક ભૂતપૂર્વ કંપનીએ આરોપ લગાવ્યો છે કે મિત્તલે કંપનીને $216 મિલિયન ચૂકવવાના બાકી છે અને મિત્તલ, તેમની પત્ની અને બાળકોને હાઇકોર્ટમાં લઈ જવાયા છે.

ગુરુવારે, આઇલ ઓફ મેન સ્થિત ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ્સને ‘છેતરપિંડી અને આયોજનબધ્ધ સંપત્તિ છીનવી લેવા’ અંગે ચાલી રહેલા સિવિલ કેસમાં મિત્તલને ઉમેરવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી.

ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ્સે આરોપ લગાવ્યો છે કે મિત્તલ અને તેમના સંબંધીઓએ $180 મિલિયન ટ્રાન્સફર કર્યા હતા જે તેમને મળવાના હતા. દાવો કરાયો છે કે મિત્તલના પત્ની સંગીતા તેમજ તેમના બાળકો વર્તિકા, શ્રીષ્ટિ અને દિવ્યેશને 81 મિલિયન ડોલર અપાયા હતા. તે બધા – જુદા જુદા સમયે મિત્તલ કોર્પોરેટ જૂથનો ભાગ રહેલા બિઝનેસીસમાં હોદ્દા અથવા ડિરેક્ટરની ભૂમિકાઓ સંભાળી ચૂક્યા છે.

તેમના ભાઈ લક્ષ્મી મિત્તલ વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકોમાંના એક છે અને તેમની અંદાજિત સંપત્તિ £14.9 બિલિયન હોવાનું માનવામાં આવે છે. કેસ ચાલુ છે.

LEAVE A REPLY