
કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ એક નિવેદનમાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે “અમારા ભારે હૃદયને એ જાણીને કંઈક અંશે રાહત મળી છે કે હીઝ હોલીનેસ ચર્ચ અને વિશ્વને ઇસ્ટરની શુભેચ્છાઓ આપવામાં સક્ષમ હતા જેની તેમણે નિષ્ઠા સાથે સેવા આપી હતી. તેમની પવિત્રતા, કરુણા, ચર્ચની એકતા પ્રત્યેની તેમની ચિંતા અને બીજાઓના ભલા માટે કામ કરતા લોકો પ્રત્યેની તેમની અથાક પ્રતિબદ્ધતા માટે પોપને યાદ કરવામાં આવશે.”
“અમે ચર્ચ પ્રત્યે અમારી ખૂબ જ હૃદયપૂર્વકની સંવેદના અને ઊંડી સહાનુભૂતિ પાઠવીએ છીએ. વિશ્વભરના અસંખ્ય લોકો તેમના જીવનથી પ્રેરિત થઈને, ઈસુ ખ્રિસ્તના આ વિશ્વાસુ અનુયાયીના દેહાંત પર શોક વ્યક્ત કરશે.”
બ્રિટિશ રાજવી દંપત્તી આ મહિનાની શરૂઆતમાં ઇટાલીની મુલાકાત વખતે પોપને મળ્યા હતા અને તેમના કાર્યો અને લોકો અને પૃથ્વિ ગ્રહ પ્રત્યેની તેમની સંભાળની પ્રશંસા કરી હતી.

સ્વ. પોપ ફ્રાન્સિસને વડા પ્રધાન કેર સ્ટાર્મરે શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે “પોપ ફ્રાન્સિસ ગરીબો, દલિત અને ભૂલાઇ ગયેલા લોકો માટેના પોપ હતા. તેઓ યુદ્ધ, દુષ્કાળ, સતાવણી અને ગરીબીનો સામનો કરી રહેલા વિશ્વભરના ખ્રિસ્તીઓને મળ્યા હતા. છતાં તેમણે ક્યારેય વધુ સારી દુનિયાની આશા ગુમાવી ન હતી.’’
સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે “હું હીઝ હોલીનેસ પોપ ફ્રાન્સિસના અવસાન પર શોક વ્યક્ત કરવામાં વિશ્વભરના લાખો લોકો સાથે જોડાઉં છું. વિશ્વ અને ચર્ચ માટેના જટિલ અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ હિંમતવાન હતું. તેમના દૃઢ નિશ્ચયથી વિશ્વભરના લોકોને ચર્ચના દયા અને દાનના શિક્ષણને નવેસરથી જોવા માટે પ્રેરણા મળી હતી. મારી સાંત્વના વિશ્વભરના કેથોલિકો અને રોમન કેથોલિક ચર્ચ સાથે છે.’’
ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે “પોપ ફ્રાન્સિસે નૈતિક સ્પષ્ટતા અને નમ્રતા સાથે વિશ્વ સાથે વાત કરી હતી. તેમણે ખાસ કરીને ગરીબો અને અવાજ વગરના લોકો સહિત દરેક વ્યક્તિના ગૌરવની યાદ અપાવી હતી.”
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા, કેમી બેડેનોકે કહ્યું હતું કે ‘’ઇસ્ટર મન્ડેના રોજ પોપનું મૃત્યુ ખાસ કરીને કરુણ લાગે છે. નેતૃત્વ શક્તિ વિશે નથી, પરંતુ સેવા વિશે છે.”
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીએ કહ્યું હતું કે ‘’પોપ શાંતિ, સહિષ્ણુતા અને સમાધાન માટેનો અવાજ હતા.’’
વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર એલ્યુનેડ મોર્ગને કહ્યું હતું કે ‘’પોપ ફ્રાન્સિસ અટલ નમ્રતા, હિંમત અને ઊંડી કરુણા સાથે નેતૃત્વ કરે છે.”
નોર્ધર્ન આયર્લેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ’નીલે પોપની 2018ની આયર્લેન્ડ મુલાકાતની નોંધ લઇ શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે ‘’તેમણે શાંતિ પ્રક્રિયાના સમર્થનમાં ઉત્સાહપૂર્વક વાત કરી હતી.” જ્યારે ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર એમ્મા લિટલ-પેન્જેલીએ કહ્યું હતું કે “તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરનારા બધા લોકો પ્રત્યે નિષ્ઠાવાન સંવેદના પાઠવું છું.’’
