(ANI Photo/Sansad TV)

સરકારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવા અંગેના બે બિલ લોકસભામાં રજૂ કરતા રાજકીય ઘમસાણ મચ્યું હતું. આ અંગે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષે વન નેશન-વન ઇલેક્શનના આ પગલાને સરમુખત્યારશાહી ગણાવ્યું હતું અને કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાયદાથી રાજ્યોની સત્તા પર કોઇ કાપ આપશે નહીં.

ગૃહમાં લગભગ 90 મિનિટની ઉગ્ર ચર્ચા પછી મેઘવાલે બંધારણ (129મો સુધારો) બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ પછી બિલો રજૂ કરવા માટે મતોનું વિભાજન થયું હતું. બિલની તરફેણમાં 269 અને વિરોધમાં 198 સભ્યોએ મતદાન કર્યું હતું. આ પછી કોંગ્રેસે દાવો કર્યો હતો કે લોકસભામાં બિલની રજૂઆત સમયે થયેલું આ મતદાન દર્શાવે છે કે ભાજપ પાસે બંધારણીય સુધારો પસાર કરવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતીનો અભાવ છે.

મેઘવાલે કેન્દ્રશાસિત પ્રદેશો સુધારા બિલ પણ રજૂ કર્યું હતું, જે કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી, દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીને લોકસભાની ચૂંટણીઓની દરખાસ્ત કરે છે. તેમણે કહ્યું કે આ બિલો બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંત પર હુમલો કરતા નથી. ન્યાયિક સમીક્ષા, બંધારણનું સંઘીય માળખુ, સત્તાનું વિભાજન, બિનસાંપ્રદાયિકતા, બંધારણની સર્વોપરિતા જેવા સિદ્ધાંતો બદલાતા નથી.

કોંગ્રેસના સભ્ય મનીષ તિવારીએ બિલની રજૂઆતનો વિરોધ કર્યો હતો અને આ પગલાને મૂળભૂત માળખાના સિદ્ધાંત પર હુમલો ગણાવ્યો હતો. સમાજવાદી પાર્ટીના સભ્ય ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” માટેનું પગલું દેશમાં સરમુખત્યારશાહી લાવવાનો ભાજપનો પ્રયાસ છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સ્તરે વ્યાપક ચર્ચા માટે બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલવાની તરફેણ કરી છે. જેપીસીમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે. જેપીસીના અહેવાલને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવશે. પછી ફરીથી, ગૃહમાં આ (બિલ) પર ચર્ચા થશે. મેઘવાલે કહ્યું કે તેઓ બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલવાનો ઠરાવ કરશે. ડીએમકેના સભ્ય ટીઆર બાલુએ જણાવ્યું હતું કે, “મતદારોને પાંચ વર્ષ માટે સરકાર પસંદ કરવાનો અધિકાર છે અને આ અધિકારને એકસાથે ચૂંટણીઓથી ઘટાડી શકાય નહીં.”

LEAVE A REPLY